Ramayana: ફિલ્મ ડિસ્ટ્રિબ્યુશન કંપની ગીક પિક્ચર્સે રવિવારે માહિતી આપી હતી કે 1993ની જાપાનીઝ-ભારતીય એનિમેશન ફિલ્મ 'રામાયણઃ ધ લિજેન્ડ ઑફ પ્રિન્સ રામા'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ 15 ફેબ્રુઆરીએ સંસદમાં યોજાશે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા સાથે સંસદના સભ્યો અને સાંસ્કૃતિક ક્ષેત્રના ખાસ લોકોને જાપાની-ભારતીય એનિમેશન ફિલ્મ 'રામાયણઃ ધ લિજેન્ડ ઑફ પ્રિન્સ રામા'ના સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. ફિલ્મ સાથે જોડાયેલી ડિસ્ટ્રીબ્યુશન કંપની આ તકને લઈને ઘણી ખુશ છે.
રામાયણ હંમેશાથી પ્રેરિત કરે છે
ગીક પિક્ચર્સના કો-ફાઉન્ડર અર્જુન અગ્રવાલ કહે છે કે ફિલ્મ 'રામાયણઃ ધ લિજેન્ડ ઑફ પ્રિન્સ રામા'નું સ્ક્રીનિંગ માત્ર ફિલ્મનું સ્ક્રીનિંગ નથી, તે આપણા દેશના સમૃદ્ધ વારસા વિશે છે. રામાયણની કથા સદીઓથી આપણને પ્રેરણાદાયી અને માર્ગદર્શન આપી રહી છે.
આ કલાકારોએ અવાજ આપ્યો છે
એનિમેટેડ ફિલ્મના હિન્દી વર્ઝનમાં, અરુણ ગોવિલે રામના પાત્રને પોતાનો અવાજ આપ્યો, નમ્રતા સાહનીએ સીતા માતાને અને સ્વર્ગસ્થ અમરીશ પુરીએ રાવણને પોતાનો અવાજ આપ્યો. પીઢ અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ વાર્તાકારના પાત્રને પોતાનો અવાજ આપ્યો છે. 'બાહુબલી' ફ્રેન્ચાઇઝી માટે જાણીતા લેખક વી વિજયેન્દ્ર પ્રસાદે ફિલ્મના નવા વર્ઝનના ક્રિએટિવ એંગલ પર કામ કર્યું છે. 'રામાયણઃ ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામા' ભારતમાં 1993માં 24મા ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (IFFI)માં પ્રદર્શિત કરવામાં આવી હતી પરંતુ થિયેટરોમાં રિલીઝ થઈ ન હતી. તે 2000ના દાયકાની શરૂઆતમાં ટીવી ચેનલો પર પ્રસારિત થયા પછી ભારતીય પ્રેક્ષકોમાં લોકપ્રિય બની હતી.
અનેક ભાષાઓમાં રિલીઝ
'રામાયણઃ ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામા' ભારતમાં 24 જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ હતી, જેને અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુમાં ડબ કરવામાં આવી હતી. રામાયણઃ ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામનું નિર્દેશન યુગો સેકો, રામ મોહન અને કોઈચી સાસાકી દ્વારા કરવામાં આવ્યું છે.
