Ram Charan Peddi Movie promotion accident: સાઉથ સુપરસ્ટાર રામચરણ અને બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર હાલમાં તેમની આગામી ફિલ્મ 'પેદ્દી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મના પ્રમોશન માટે વિજયવાડા પહોંચેલા કલાકારો સાથે એક અત્યંત ચોંકાવનારી ઘટના બની હતી. સ્ટેજ પર કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે એક ફેન અચાનક સુરક્ષા ઘેરો તોડીને રામચરણ તરફ દોડ્યો હતો, જેના કારણે સ્ટેજ પર હાજર જ્હાન્વી કપૂર સહિતના લોકો ગભરાઈ ગયા હતા. જોકે, બોડીગાર્ડની સમયસૂચકતાને કારણે કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી. જ્હાન્વી કપૂરને તો ઢોકર પણ વાગી હતી અને તેના ચહેરાના હાવભાવ જોવા જેવા હતા. પરંતુ હાજર સિક્યુરિટી જવાનોએ આ જબરા ફેનને ઉચકીને બહાર કર્યો હતો.
હૂબહૂ રામચરણ જેવો દેખાતો હતો ફેન
આ ઘટના ત્યારે બની જ્યારે રામચરણ, જ્હાન્વી કપૂર અને ફિલ્મના દિગ્દર્શક બુચ્ચી બાબુ સના સ્ટેજ પર બેઠા હતા. આ દરમિયાન ભીડમાંથી એક ફેન અચાનક સ્ટેજ પર ચઢી આવ્યો હતો. આ ફેનનો લુક અને હેરસ્ટાઇલ હૂબહૂ રામચરણ જેવા જ હતા, જેના કારણે એક ક્ષણ માટે ત્યાં હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ફેન ખૂબ જ ઝડપથી રામચરણ પાસે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેને અચાનક પોતાની તરફ આવતો જોઈને જ્હાન્વી કપૂર ખરેખર ડરી ગઈ હતી અને પોતાની સીટ પર પાછળની તરફ ખસી ગઈ હતી.
બોડીગાર્ડની સતર્કતાથી જ્હાનવી બચી ગઈ
રામચરણના પર્સનલ બોડીગાર્ડ અને પ્રોફેશનલ MMA ફાઇટર કેવિન કુંટાએ સ્થિતિ પારખી લીધી હતી. ફેન રામચરણ સુધી પહોંચે તે પહેલા જ કેવિન કુંટાએ તેને વચ્ચે જ રોકી લીધો હતો. બોડીગાર્ડે તે ફેનને તેડીને સ્ટેજની બહાર કરી દીધો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જ્હાન્વી કપૂરના ચહેરા પર સ્પષ્ટપણે ગભરાટ જોઈ શકાય છે. આ ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થામાં તાત્કાલિક વધારો કરવામાં આવ્યો હતો અને સ્ટેજની ચારેબાજુ પોલીસ તેમજ ખાનગી સુરક્ષાકર્મીઓ તૈનાત કરી દેવાયા હતા.
રામચરણની દરિયાદિલીએ જીત્યા દિલ
ભલે બોડીગાર્ડે ફેનને સ્ટેજ પરથી હટાવી દીધો હતો, પરંતુ રામચરણે આ મામલે અત્યંત નમ્રતા બતાવી હતી. રામચરણે તે ફેનને પાછો બોલાવ્યો અને તેની સાથે મુલાકાત કરી હતી. એક્ટરે ફેન સાથે વાતચીત કરી અને તેની સાથે તસવીરો પણ ખેંચાવી હતી. રામચરણને મળીને આ હમશકલ ફેન ભાવુક થઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો આને પ્રમોશનલ સ્ટંટ ગણાવી રહ્યા છે, તો મોટાભાગના લોકો રામચરણની આ ઉદારતાના વખાણ કરી રહ્યા છે.
શું છે ફિલ્મ 'પેદ્દી'ની વાર્તા?
ફિલ્મ 'પેદ્દી' એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે, જે 4 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં રામચરણ એક હિંમતવાન ગ્રામીણ વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યા છે, જે કુસ્તી, દોડ અને ક્રિકેટ જેવી વિવિધ રમતોમાં માહિર છે. આ ફિલ્મ બુચ્ચી બાબુ સના દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે. ફિલ્મમાં રામચરણ અને જ્હાન્વી કપૂર ઉપરાંત શિવ રાજકુમાર, દિવ્યેન્દુ અને જગપતિ બાબુ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતને કારણે પણ ચર્ચામાં રહી હતી.
