Raja Shivaji Day 8 Box Office Collection: ભારતીય સિનેમા જગતમાં હાલ રિતેશ દેશમુખ દ્વારા નિર્મિત અને અભિનીત ફિલ્મ 'રાજા શિવાજી' ધૂમ મચાવી રહી છે. 1 મેના રોજ મહારાષ્ટ્ર દિવસના અવસરે રિલીઝ થયેલી આ ઐતિહાસિક ડ્રામા ફિલ્મે આઠ દિવસ પછી પણ બોક્સ ઓફિસ પર પોતાની પકડ મજબૂત રાખી છે. છત્રપતિ શિવાજી મહારાજના અદમ્ય સાહસ અને શૌર્યની ગાથા દર્શાવતી આ ફિલ્મ માત્ર મરાઠી જ નહીં, પરંતુ હિન્દી પ્રેક્ષકોને પણ આકર્ષવામાં સફળ રહી છે.
8મા દિવસની જોરદાર કમાણી
ફિલ્મની કમાણીના આંકડા પર નજર કરીએ તો, રિલીઝના આઠમા દિવસે એટલે કે તેના બીજા શુક્રવારે 'રાજા શિવાજી' એ અંદાજે ₹2.76 કરોડનું કલેક્શન કર્યું છે. સામાન્ય રીતે ફિલ્મો પ્રથમ સપ્તાહ બાદ નબળી પડતી હોય છે, પરંતુ રિતેશ દેશમુખની આ ફિલ્મે બીજા અઠવાડિયાની શરૂઆત પણ ધમાકેદાર કરી છે.
ભાષાવાર કલેક્શનની વાત કરીએ તો, ફિલ્મને મરાઠી સંસ્કરણમાં સૌથી વધુ પ્રતિસાદ મળી રહ્યો છે. 8મા દિવસે મરાઠી ભાષામાં ₹2.14 કરોડ અને હિન્દી સંસ્કરણમાં અંદાજે ₹62 લાખની કમાણી થઈ છે. વિવેચકોનું માનવું છે કે ફિલ્મની વાર્તાની પ્રમાણિકતા અને રિતેશ દેશમુખનો અભિનય દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચી લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.
બજેટ અને કુલ કલેક્શન
'રાજા શિવાજી' નું નિર્માણ અંદાજે ₹75 થી ₹100 કરોડ ના મંગી બજેટમાં કરવામાં આવ્યું છે. આટલા મોટા બજેટની ફિલ્મ હોવા છતાં, તેણે માત્ર 8 દિવસમાં જ કુલ ₹55.41 કરોડ અને અંદાજે ₹65 કરોડથી વધુનું ગ્રોસ કલેક્શન કરી લીધું છે. આ ગતિ જોતા જણાય છે કે ફિલ્મ ટૂંક સમયમાં જ તેના નિર્માણ ખર્ચને વટાવી જશે અને બ્લોકબસ્ટરની યાદીમાં સામેલ થશે.
અન્ય ફિલ્મો સાથે ટક્કર
રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મ અક્ષય કુમારની હોરર-કોમેડી 'ભૂત બાંગ્લા' ને પણ જોરદાર ટક્કર આપી રહી છે. 'ભૂત બાંગ્લા' એ તેના 22મા દિવસે લગભગ ₹1.37 કરોડનો વ્યવસાય કર્યો હતો, જ્યારે 'રાજા શિવાજી' આઠમા દિવસે પણ તેની સરખામણીએ વધુ કમાણી કરી રહી છે. આ સાબિત કરે છે કે પ્રેક્ષકો હવે મોટા સ્ટાર્સ કરતા સામગ્રી અને ભાવનાત્મક જોડાણને વધુ મહત્વ આપી રહ્યા છે.
ઐતિહાસિક ઓપનિંગનો રેકોર્ડ
ઉલ્લેખનીય છે કે, 'રાજા શિવાજી' એ મરાઠી સિનેમાના ઇતિહાસમાં સૌથી મોટી ઓપનિંગનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. પહેલા દિવસે ₹11.35 કરોડ ની કમાણી સાથે ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રારંભ કર્યો હતો.
છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત હોવાને કારણે મહારાષ્ટ્ર અને સમગ્ર દેશમાં ફિલ્મ પ્રત્યે એક અલગ પ્રકારનો આદર અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો આ જ ગતિ ચાલુ રહેશે, તો 'રાજા શિવાજી' મરાઠી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ટોચનું સ્થાન મેળવી શકે છે.
