Pankaj Dheer Family Tree: બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા પરિવારો છે જેમની વિરાસત પેઢી દર પેઢી ચમકતી રહી છે અને આવો જ એક પરિવાર પંકજ ધીરનો છે. 'મહાભારત'માં કર્ણની ભૂમિકા ભજવીને ઘરે-ઘરે ઓળખ બનાવનાર પંકજ ધીરની ફેમિલી પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેમના પુત્ર નિકિતિન ધીરે પોતાના દમદાર અભિનયથી દર્શકોનું દિલ જીત્યું છે. એટલું જ નહીં તેમની પુત્રવધૂ પણ જાણીતી અભિનેત્રી છે.
કર્ણના પાત્રથી મળી પંકજ ધીરને ઓળખ
પ્રખ્યાત અભિનેતા પંકજ ધીરનું 68 વર્ષની ઉંમરે કેન્સર સામેની જંગ હાર્યા બાદ નિધન થયું હતું. પંકજ ધીરને તેમની અસલી ઓળખ મહાભારત સિરિયલમાં કર્ણના કિરદારથી મળી હતી. આ રોલ ભજવ્યા પછી તેઓ ઘરે-ઘરે ફેમસ થઈ ગયા હતા.
પત્ની ફેમસ કોસ્ચ્યુમ ડિઝાઇનર
પંકજ ધીરે 1979 માં અનિતા ધીર સાથે લગ્ન કર્યા હતા. અનિતા ધીર અનિતા ધીર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક ફેમસ કોસ્ચ્યુમ ડિઝાઇનર છે. તેણે અનેક ફિલ્મોમાં ડિઝાઇનર તરીકે કામ કર્યું છે. પંકજ ધીરનો પુત્ર નિકિતિન ધીર પોતે પણ અભિનેતા છે.
નિકિતિન ધીરનું બોલિવૂડ ડેબ્યૂ
'ચેન્નઈ એક્સપ્રેસ'માં થંગાબલીનો કિરદાર ભજવનાર નિકિતિન ધીરને કોઈ કેવી રીતે ન યાદ રાખે. નિકિતન ધીરે બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘જોધા અકબર’ (2008) થી કરી હતી. આ ફિલ્મમાં તેમણે શરીફુદ્દીન હુસૈનનો કિરદાર ભજવ્યો હતો, જ્યાં તેમણે પોતાના દમદાર અભિનયથી દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું.
ડેબ્યૂ ફિલ્મ પછી નિકિતિનને બોલિવૂડમાં ખૂબ કામ મળ્યું. તેઓ સલમાન ખાનની ફિલ્મ 'રેડી' અને પછી 'દબંગ'માં પણ જોવા મળ્યા હતા. પરંતુ તેમને અસલી ઓળખ શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'ચેન્નઈ એક્સપ્રેસ' માં થંગાબલીના કિરદારથી મળી, જેણે તેમને રાતોરાત સ્ટાર બનાવી દીધા.
નિકિતિન ધીર અને કૃતિકા સેંગરની પ્રેમ કહાણી
પંકજ ધીરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘માય ફાધર ગોડફાધર’ નિકિતિનના જીવનમાં એક ખાસ વળાંક લાવી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન નિકિતિનની મુલાકાત એક્ટ્રેસ કૃતિકા સેંગર સાથે થઈ. શરૂઆતમાં આ એક સામાન્ય મુલાકાત હતી, પરંતુ ધીમે ધીમે બંને વચ્ચે નિકટતા વધી. 3 સપ્ટેમ્બર 2014 ના રોજ બંનેએ લગ્ન કરી લીધા. આ લગ્નથી તેમને એક પુત્રી પણ છે, જેનું નામ દેવિકા ધીર છે.
