Ramayana Movie Set Fire: મુંબઈના ગોરેગાંવ ઈસ્ટ સ્થિત પ્રખ્યાત ફિલ્મ સિટી ખાતે રણબીર કપૂર અને સાઈ પલ્લવીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણ'ના કામચલાઉ સેટ પર અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ ભયાનક આગની અસર નજીકમાં જ આવેલા અન્ય રિયાલિટી શો અને સિરિયલો જેવા કે 'પતિ પત્ની ઔર પંગા 2' અને 'MTV હસલ 5'ના સેટ પર પણ પડી હતી.
A fire broke out at a temporary shooting set linked to director Nitesh Tiwari’s ‘Ramayana’ at Film City in Goregaon East on Monday evening. According to the BMC Fire Brigade, the blaze was reported at 4:02 pm and brought under control by 4:55 pm. No injuries were reported. https://t.co/4azYGy6KLZ
— Visshal Singh (@VishooSingh) October 5, 2026
કામચલાઉ સેટ અને PCR યુનિટમાં લાગી આગ
સોમવારે બપોરે બનેલી આ ઘટના અંગે મુંબઈ ફાયર બ્રિગેડ (BMC) દ્વારા મળતી માહિતી મુજબ, 5 ઓક્ટોબરના રોજ બપોરે 4:02 વાગ્યે ફિલ્મ સિટીમાં રિલાયન્સ મીડિયા વર્ક્સ અને પ્રાઈમ ફોકસ સ્ટુડિયોની પાછળ આવેલી જગ્યા પર લેવલ-1 ની આગ લાગી હોવાનો કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આગ પ્રાઈમ ફોકસ સ્ટુડિયોની પાછળ ઉભા કરાયેલા કામચલાઉ સેટના PCR યુનિટમાંથી શરૂ થઈ હતી. આગની જ્વાળાઓ શૂટિંગ માટે વપરાતા વાયરિંગ, ઈલેક્ટ્રિકલ કેબલ્સ, લાકડાના પાટિયા, વાંસ-પ્લાસ્ટિકની સામગ્રી, વિશાળ સાઉન્ડ સિસ્ટમ્સ, એસી યુનિટ્સ અને શૂટિંગના મોંઘા સાધનો સુધી ઝડપથી ફેલાઈ ગઈ હતી. જોતજોતામાં આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા.
ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી, મોટો અકસ્માત ટળ્યો
ઘટનાની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, BMC વોર્ડ કંટ્રોલ રૂમની ટીમ તેમજ 108 એમ્બ્યુલન્સની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોની સતત મહેનત બાદ સાંજે 4:55 વાગ્યા સુધીમાં આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સદનસીબે, આ દૂર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી, જેનાથી ફિલ્મ ક્રૂ અને વહીવટી તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.
'હસલ 5' અને 'પતિ પત્ની ઔર પંગા 2' ના સેટને પણ નુકસાન
અહેવાલો મુજબ, આ આગની અસર માત્ર નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ' સુધી મર્યાદિત ન હતી. નજીકમાં જ શૂટિંગ કરી રહેલા MTVના શો 'હસલ 5' અને 'પતિ પત્ની ઔર પંગા 2'ના સેટને પણ આગ અને ધુમાડાના કારણે નુકસાન થયું હતું. કેટલીક વિગતો એવું પણ દર્શાવે છે કે આગ સૌથી પહેલા 'પતિ પત્ની ઔર પંગા 2' ના સેટ પર લાગી હતી અને ત્યાંથી પ્રસરીને અન્ય સેટ સુધી પહોંચી હતી. જોકે, નુકસાનના ચોક્કસ આંકડા અંગે હજુ સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.
