Malhar Thakar News: સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઝને ટ્રોલ કરવી કે તેમના વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરવી એ હવે સામાન્ય બાબત બની ગઈ છે. જોકે, ઘણી વખત કલાકારો અથવા તેમની ટીમ આવા નકારાત્મક તત્વોને તેમની ભાષામાં જ જડબાતોડ જવાબ આપવાનું પસંદ કરે છે. તાજેતરમાં જ, ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રી પૂજા જોષી (Puja Joshi) ની ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી અને તેના પતિ તેમજ ઢોલીવુડના સુપરસ્ટાર મલ્હાર ઠાકર (Malhar Thakar) એ સોશિયલ મીડિયા પર એક ટ્રોલરની કડક શબ્દોમાં ક્લાસ લીધી છે, જેની ચર્ચા અત્યારે આખા સિનેજગતમાં થઈ રહી છે.
જાણો ટ્રોલરે શું કરી હતી કોમેન્ટ
સોશિયલ મીડિયા પર શેર થયેલા અહેવાલો અને સત્તાવાર સ્ક્રીનશોટ્સ અનુસાર, એક ઇન્ટરનેટ યુઝરે અભિનેત્રી પૂજા જોષી વિશે અત્યંત અપમાનજનક ટિપ્પણી કરતાં લખ્યું હતું કે: "She is nothing without malhar, she is zero alone" (તે મલ્હાર વિના કંઈ જ નથી, તે એકલી શૂન્ય છે).
એક સ્ત્રીના વર્ષોના પરિશ્રમ અને તેની સ્વનિર્ભર ઓળખને નકારતી આ કોમેન્ટ સામે આવતા જ પૂજા જોષીની ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીના મેનેજર પાવન શુક્લાએ લાંબો લચક અને આકરો જવાબ આપ્યો હતો. એજન્સીએ સ્પષ્ટ કર્યું કે, પૂજા વર્ષ 2022 થી તેમની સાથે જોડાયેલી છે જ્યારે તે મલ્હારને ડેટ પણ નહોતી કરતી. તેણે પોતાના દમ પર શાઓમી, પૂજારા ટેલિકોમ અને ટાટા મોટર્સ જેવી મોટી બ્રાન્ડ્સ તેમજ 15 વર્ષની કારકિર્દીમાં 70 થી વધુ બ્રાન્ડ્સ સાથે કામ કર્યું છે. એજન્સીએ ટ્રોલરને આડે હાથ લેતા કહ્યું કે, 15 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં મહેનત કરીને પોતાની અલગ ઓળખ બનાવનારી મહિલાના અસ્તિત્વને માત્ર તેના લગ્ન સાથે જોડી દેવું એ તદ્દન ખોટું અને અનાદરભર્યું છે.
પત્નીના સમર્થનમાં આવ્યા મલ્હાર ઠાકર
પોતાની પત્નીની ક્ષમતા અને આત્મસન્માન પર સવાલ ઉઠાવનારા નેગેટિવ કમેન્ટર્સ પર હવે ખુદ મલ્હાર ઠાકરનો પિત્તો ગયો છે. પોતાની પત્નીના સમર્થનમાં ઉતરેલા મલ્હારે આ ટ્રોલર્સને કડક ચેતવણી આપતા સોશિયલ મીડિયા પર પોતાના અંદાજમાં એક સણસણતો અને આકરો જવાબ આપ્યો છે.
મલ્હાર ઠાકરે લાલ આંખ કરતા જણાવ્યું કે: "એક એક જણ રડારમાં છે! સમય નથી મળતો, બાકી 24-25 લોકો મેં શોધી રાખ્યા છે! ઊંધા કરીને સુસુ કરાવી દેવાની છે! સહેજ સમય મળવા દો!!" આ સાથે જ પોતાની પત્નીનો ઉત્સાહ વધારતા મલ્હારે લખ્યું, "Tu queen chhe! નબળેશો છે કમેંટ વાળા!"
સોશિયલ મીડિયા પર ફેન્સનું મળ્યું જોરદાર સમર્થન
મલ્હાર ઠાકરના આ આક્રમક વલણ અને પત્ની પૂજા પ્રત્યેના પ્રેમને જોઈને તેના ચાહકો (Fans) પણ જોરદાર સમર્થન આપી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ટ્રોલિંગના નામે કોઈપણ કલાકારની વ્યક્તિગત ઓળખ કે તેમની મહેનતની મજાક ઉડાવવાનો કોઈને અધિકાર નથી. મલ્હારે જે રીતે ટ્રોલર્સને તેમની જ ભાષામાં આયનો બતાવ્યો છે, તેનાથી સાબિત થાય છે કે તે એક આદર્શ અને સપોર્ટિવ પાર્ટનર છે. હાલમાં આ વિવાદ અને મલ્હારનો ગુસ્સો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
