Malhar Thakar Adopts Cow And Calf: ગુજરાતી સિનેમા જગતના સુપરસ્ટાર અને લાખો દિલોની ધડકન ગણાતા મલ્હાર ઠાકર (Malhar Thakar) માત્ર પોતાની શાનદાર એક્ટિંગથી જ નહીં, પરંતુ પોતાના ઉમદા કાર્યોથી પણ ચાહકોના દિલ જીતી લેવા માટે જાણીતા છે. તાજેતરમાં જ મલ્હાર ઠાકરે એક એવું પ્રશંસનીય સામાજિક કાર્ય કર્યું છે, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમના ચારેય તરફ જોરદાર વખાણ થઈ રહ્યા છે. ઢોલિવૂડના આ કલાકારે મૂંગા પશુઓ પ્રત્યેનો પોતાનો અગાધ પ્રેમ દર્શાવતા કાંકરેજ નસ્લની ગૌમાતા અને તેમની નાની વાછરડીને દત્તક લીધી છે.
આજીવન ગૌસેવા કરવાનો લીધો મક્કમ સંકલ્પ
મલ્હાર ઠાકરે આ પરોપકારી કાર્ય કરીને સમાજ સામે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે માત્ર ગૌમાતા અને વાછરડીને દત્તક જ નથી લીધી, પરંતુ આજીવન તેમની તમામ પ્રકારની સેવા અને દેખરેખ રાખવાનો મક્કમ સંકલ્પ પણ લીધો છે. હિન્દુ સંસ્કૃતિમાં કાંકરેજ ગાયોનું ખૂબ જ મહત્વ રહેલું છે અને તેમની વિશેષ સેવા કરવાનો નિર્ણય મલ્હારના પશુ પ્રેમ અને ધાર્મિક આસ્થાને ઉજાગર કરે છે. આ સમાચાર વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ફેન્સ અને અન્ય ગુજરાતી સેલિબ્રિટીઓ "ખૂબ સરસ મલ્હાર", "ગૌસેવા એ જ પ્રભુસેવા" જેવી કમેન્ટ્સ કરીને અભિંદન આપી રહ્યા છે.
વાછરડીને આપ્યું પોતાનું નામ: "મલ્હારી"
આ ઉમદા કાર્યમાં વધુ એક હૃદયસ્પર્શી બાબત એ સામે આવી છે કે, મલ્હારે આ નાની અને વહાલી વાછરડીને પોતાના નામ પરથી જ એક અત્યંત પ્રેમાળ નામ આપ્યું છે. હવે આ વાછરડી "મલ્હારી" તરીકે ઓળખાશે. કલાકારે વાછરડી સાથે વિતાવેલી પળો અને તેના નામકરણની આ વાત ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. પશુઓ પ્રત્યે આ પ્રકારની સંવેદનશીલતા બહુ ઓછા સ્ટાર્સમાં જોવા મળતી હોય છે.
અગાઉ પણ મલ્હાર ઠાકર અનેક સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય જોવા મળ્યા છે, પરંતુ આ વખતે ગૌસેવક તરીકેનો તેમનો નવો અવતાર લોકોના દિલને સ્પર્શી ગયો છે. સેલિબ્રિટીઝ જ્યારે આવા કાર્યો કરે છે, ત્યારે સામાન્ય જનતા અને તેમના યુવા ચાહકોને પણ મૂંગા પશુઓની વહારે આવવાની અને ગૌસેવા કરવાની પ્રેરણા મળે છે.
