Laalo Box Office Collection: ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવો ઈતિહાસ 'લાલો - કૃષ્ણ સદા સહાયતે', કમાણી ₹ 118 કરોડને પાર

ગુજરાતી ફિલ્મ 'લાલો - કૃષ્ણ સદા સહાયતે' (Laalo - Krishna Sada Sahaayate) ના બોક્સ ઓફિસ કલેક્શનના સત્તાવાર આંકડા મુજબ, ફિલ્મે વિશ્વભરમાં કુલ ₹118.58 કરોડનો જંગી બિઝનેસ કર્યો છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sat 20 Dec 2025 10:37 AM (IST)Updated: Sat 20 Dec 2025 10:37 AM (IST)
laalo-krishna-sada-sahaayate-all-time-blockbuster-gujarati-film-658723

Laalo - Krishna Sada Sahaayate Box Office Collection: અંકિત સખિયા દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ 'લાલો - કૃષ્ણ સદા સહાયતે' (Laalo - Krishna Sada Sahaayate) એ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી છે. પ્રેક્ષકોના અપાર પ્રેમ અને વિવેચકોની પ્રશંસા સાથે આ ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને 'ઓલ ટાઈમ બ્લોકબસ્ટર'નું બિરુદ હાંસલ કર્યું છે.

કમાણીના આંકડા ચોંકાવનારા

ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનના સત્તાવાર આંકડા મુજબ, ફિલ્મે વિશ્વભરમાં કુલ ₹118.58 કરોડનો જંગી બિઝનેસ કર્યો છે. ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મનું નેટ કલેક્શન ₹94.02 કરોડ અને ગ્રોસ કલેક્શન ₹111.33 કરોડ નોંધાયું છે. જ્યારે વિદેશમાં પણ ગુજરાતીઓએ ફિલ્મને વધાવી લીધી છે, જેના પરિણામે ઓવરસીઝ માર્કેટમાંથી ₹7.25 કરોડની કમાણી થઈ છે.

શું છે ફિલ્મની વાર્તા?

ફિલ્મની વાર્તા લાલો નામના એક રિક્ષાચાલકની આસપાસ ફરે છે, જે ગરીબી અને પોતાના મુશ્કેલ ભૂતકાળથી ઘેરાયેલો છે. પૈસા કમાવવાની લ્હાયમાં તે એક રહસ્યમય ફાર્મહાઉસમાં ફસાઈ જાય છે. અહીંથી તેની આંતરિક યાત્રા શરૂ થાય છે. એકાંતમાં તેને પોતાના જીવનના પસ્તાવા અને અપરાધભાવનો સામનો કરવો પડે છે. આ સંઘર્ષમાં તેને ભગવાન શ્રી કૃષ્ણનો સાથ મળે છે, જે એક માર્ગદર્શક તરીકે તેને આત્મ-ચિંતન અને જીવનનો સાચો અર્થ સમજાવે છે. આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, પરંતુ મુક્તિ અને શ્રદ્ધાની એક ભાવનાત્મક યાત્રા છે.

સ્ટારકાસ્ટ

સોલ સૂત્ર, આર.ડી. બ્રધર્સ મૂવીઝ અને મેનિફેસ્ટ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં રિવા રાચ્છ, અંશુ જોશી, શ્રુહદ ગોસ્વામી, કરણ જોશી અને કિન્નલ નાયક જેવા કલાકારો છે. અંકિત સખિયાના દિગ્દર્શન અને મજબૂત વાર્તાએ દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચી લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.