Kinjal Dave Range Rover: ગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવેએ ધનતેરસના શુભ અવસરે પોતાના અને પરિવાર માટે એક ખાસ ભેટ ખરીદી છે. કિંજલ દવેએ આ પવિત્ર તહેવારે લક્ઝરી 'રેન્જ રોવર' (Range Rover) કાર ખરીદી છે. આ ખાસ પ્રસંગે કિંજલ દવે પોતાના સમગ્ર પરિવાર સાથે શોરૂમ પર ગાડીની ડિલિવરી લેવા માટે પહોંચી હતી. શોરૂમમાં ગાડી લેતી વખતે એક અત્યંત ભાવુક ક્ષણ પણ જોવા મળી હતી, જેણે સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી લીધા છે.

પિતાના પગે પડીને રડી પડી કિંજલ દવે
નવી રેન્જ રોવર કારની ડિલિવરી લેતી વખતે કિંજલ દવે પોતાની ખુશી અને સંવેદનાઓને રોકી શકી નહોતી. પોતાની આ મોટી સિદ્ધિનો શ્રેય પિતાને આપતાં તે ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી અને પિતા લલિત દવેના પગે પડીને તેમને વંદન કર્યા હતા. આ દરમિયાન કિંજલની આંખોમાંથી આંસુ છલકાઈ આવ્યા હતા. પિતા લલિત દવેએ પણ દીકરીને પ્રેમથી ભેટીને આશીર્વાદ આપ્યા હતા. પિતા અને પુત્રી વચ્ચેનો આ પ્રેમ અને આદર જોઈને ત્યાં હાજર તમામ લોકો ભાવવિભોર થઈ ગયા હતા.

ગાડીની વિધિવત પૂજા અને પ્રથમ ડ્રાઈવ
નવી કારની ડિલિવરી લીધા બાદ કિંજલ દવેએ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ કુમકુમ, ફૂલ અને થાળી સાથે નવી ગાડીની પૂજા-અર્ચના કરી હતી. તે પછી પરિવારના સભ્યો ઉપર ફૂલોનો વરસાદ કરીને ખુશીઓ વ્યક્ત કરવામાં આવી હતી. ગાડીની પૂજા પૂર્ણ થયા બાદ પ્રથમ ડ્રાઈવ માટે કિંજલના પિતા લલિત દવે ડ્રાઈવિંગ સીટ પર બેઠા હતા અને નવી રેન્જ રોવર ચલાવી હતી, જ્યારે કિંજલ દવે બાજુની સીટ પર બેસીને ખુશ થતી જોવા મળી હતી.

સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો વરસાદ
કિંજલ દવે અને તેની નવી લક્ઝુરિયસ રેન્જ રોવર કારનો આ વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ફેન્સ અને ઢોલિવૂડના કલાકારો તરફથી શુભેચ્છાઓનો વરસાદ શરૂ થઈ ગયો છે. નાના ગામમાંથી આવીને પોતાની મહેનત અને ગાયકીના દમ પર આટલી મોટી સફળતા હાંસલ કરનાર કિંજલ દવેના સંસ્કાર અને પિતા પ્રત્યેના આદરના યુઝર્સ ભારે વખાણ કરી રહ્યા છે.

