સિંગર બી. પ્રાકનો અવાજ અને સાળંગપુર દાદાની ભક્તિ: ગુજરાતી ફિલ્મ 'કિંગ ઓફ સાળંગપુર'નું ગીત 'જય હનુમાન' રિલીઝ!

બોલિવૂડ અને પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના મશહૂર સિંગર બી. પ્રાકના ભાવનાત્મક અને જુસ્સાથી ભરપૂર અવાજે આ ભજનમાં ચાર ચાંદ લગાવી દીધા છે, જેને સંગીતપ્રેમીઓ અને ભક્તો તરફથી ઉષ્માભર્યો પ્રતિસાદ મળી રહ્યો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 02 Nov 2026 01:55 PM (IST)Updated: Mon, 02 Nov 2026 01:55 PM (IST)
king-of-salangpur-movie-song-jay-hanuman-released-b-praak
'જય હનુમાન ગીત રિલીઝ

King of Salangpur Movie Song: સંગીત જગતના દિગ્ગજ સિંગર બી. પ્રાકના સુરીલા અવાજ અને સાળંગપુર ધામના મહિમાનો અદ્ભુત સંગમ દર્શાવતી ઝી સ્ટુડિયોઝ અને વામિકા પ્રોડક્શનની ગુજરાતી ફિલ્મ 'કિંગ ઓફ સાળંગપુર'નું ભક્તિગીત 'જય હનુમાન' રિલીઝ કરવામાં આવ્યું છે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાની અસીમ કૃપા અને દિવ્ય વારસાને મોટા પડદે જીવંત કરતી આ ફિલ્મના ગીતે રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ભારે ધૂમ મચાવી દીધી છે. બોલિવૂડ અને પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના મશહૂર સિંગર બી. પ્રાકના ભાવનાત્મક અને જુસ્સાથી ભરપૂર અવાજે આ ભજનમાં ચાર ચાંદ લગાવી દીધા છે, જેને સંગીતપ્રેમીઓ અને ભક્તો તરફથી ઉષ્માભર્યો પ્રતિસાદ મળી રહ્યો છે.

 સાળંગપુર ધામની પવિત્ર ભૂમિ પર ભક્તિનો મહાઉત્સવ

મળતી માહિતી મુજબ, ગીતકાર નીરજ કેરે લખેલા આ દિવ્ય ગીતને પ્રશાંત સંતોષે સંગીતબદ્ધ કર્યું છે, જ્યારે આ ગીતની ભવ્ય કોરિયોગ્રાફી લોકપ્રિય કોરિયોગ્રાફર પ્રિન્સ ગુપ્તા દ્વારા કરવામાં આવી છે. ગીતના સોન્ગ વીડિયોમાં સાળંગપુર ધામની પવિત્ર ભૂમિ અને શ્રી કષ્ટભંજન દેવની ભવ્ય મૂર્તિના સાનિધ્યમાં ભક્તિનો અનોખો ઉત્સવ જોવા મળે છે. કેસરી અને લાલ રંગના પરંપરાગત પોશાકમાં જ સજ્જ સેંકડો ભક્તો હાથમાં ભગવા ધ્વજ લહેરાવીને લીન થઈને નૃત્ય કરતા નજરે પડે છે.

"મારી વર્ષો જૂની ઇચ્છા પૂરી થઈ" : બી. પ્રાક

આ ખાસ ભક્તિગીત અંગે પોતાના અનુભવો શેર કરતા ગાયક બી. પ્રાક એ જણાવ્યું હતું કે, "ઘણાં વર્ષોથી મારી દિલથી ઇચ્છા હતી કે હું બજરંગબલીજી માટે કંઈક બનાવું અને ગાઉં. શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર ધામની અસીમ કૃપાથી મારી આ ઇચ્છા 'કિંગ ઓફ સાળંગપુર' ફિલ્મ દ્વારા પૂર્ણ થઈ છે. મારું આ ગુજરાતી ભજન 'જય હનુમાન' આપ સૌના હૃદયમાં ભક્તિનો દીવો પ્રગટાવશે. આગામી 27 નવેમ્બર 2026ના રોજ આ ભવ્ય ફિલ્મ સિનેમાઘરોમાં આવી રહી છે, તો આપ સૌ જરૂરથી આ ફિલ્મ જુઓ અને આ ભજન સાંભળો — જય શ્રી રામ, રાધે રાધે!"

વિશાળ તારાગણ અને ભવ્ય નિર્માણ સાથે 27 નવેમ્બરે રિલીઝ

સંજય પ્રજાપતિ દ્વારા લિખિત અને પ્રશાંત દેશાવલ દ્વારા નિર્દેશિત આ ભક્તિપ્રધાન ફિલ્મમાં આકાશ પંડ્યા, આર.જે. સલોની, ભૂષણ ભટ્ટ, ભાવિન, મયૂર કુમાર, સાગર પંચાલ, હરિકૃષ્ણ દવે, ભરત ઠક્કર, હેતલ બારોટ, કલ્પેશ પટેલ, નિહારિકા દવે, મીત, અતુલ પ્રજાપતિ, પ્રથમ, પરેશ શુક્લા અને મહેશ કોટેચા જેવા પ્રતિભાશાળી કલાકારોએ મુખ્ય ભૂમિકાઓ ભજવી છે. નિર્માતા ધ્રુવ દેશાવલ, અમિત સંતોકી, ચેતન થુમ્મર, આનંદ અઘારા, હાર્દિક પટેલ અને સહ-નિર્માતા મોહિત વઘાસિયાના આ ભવ્ય પ્રોજેક્ટને લઈને સિનેમા જગત અને પ્રેક્ષકોમાં ભારે અપેક્ષાઓ સેવાઈ રહી છે.

ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં એક અમર ગાથા બની રહે તેવા ભવ્ય સ્કેલ પર નિર્મિત આ ફિલ્મ દેશભરના સિનેમાઘરોમાં આગામી 27 નવેમ્બર, 2026ના રોજ રજૂ થવા જઈ રહી છે. આ ફિલ્મને વિદેશમાં ઓએમજી પિક્ચર્સ દ્વારા રિલીઝ કરવામાં આવશે. હાલમાં 'જય સાળંગપુર દાદા!' ના નાદ સાથે દર્શકોમાં ફિલ્મ અને તેના આ શક્તિશાળી ગીતને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.