King of Salangpur Movie: ઝી સ્ટુડિયોઝ અને વામિકા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત તથા ઝી સ્ટુડિયોઝ દ્વારા રિલીઝ કરવામાં આવી રહેલી બહુપ્રતીક્ષિત ગુજરાતી ફિલ્મ 'કિંગ ઓફ સાળંગપુર' ના ભવ્ય ટીઝરને સોશિયલ મીડિયા પર અકલ્પનીય પ્રતિસાદ મળ્યો છે. ટીઝર લોન્ચ થતાં જ સિનેમાપ્રેમીઓ અને કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના ભક્તોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે, જેના પગલે હવે થિયેટર માલિકો અને ડિસ્ટ્રિબ્યુટર્સમાં ફિલ્મના સ્ક્રીનિંગ અને એડવાન્સ બુકિંગ વહેલી તકે શરૂ કરવા માટે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
ટીઝર લોન્ચના માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં જ દેશ અને વિદેશના એક્ઝિબિટર્સ તરફથી શોઝ ફાળવવા અને એડવાન્સ બુકિંગ વિન્ડો ઓપન કરવા માટે સતત પૂછપરછ અને ડિમાન્ડ આવી રહી છે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાની અસીમ કૃપા અને દિવ્ય વારસા પર આધારિત આ ભક્તિપ્રધાન ફિલ્મ આગામી 27 નવેમ્બર, 2026 ના રોજ વિશ્વભરમાં મોટા પડદે રિલીઝ થવા જઈ રહી છે.
ગુજરાતના અમદાવાદ, સુરત, મોરબી, આણંદ, નવસારી, બોટાદ, જૂનાગઢ, ગીર-સોમનાથ અને જામનગર ઉપરાંત મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ અને ગોવા જેવા પ્રમુખ શહેરોના સિનેમા માલિકો ફિલ્મ માટે વધુમાં વધુ શોઝ ફાળવવા નિર્માતાઓનો સંપર્ક કરી રહ્યા છે.
દાદાના ભક્તો અને દર્શકો વિશ્વભરમાં પથરાયેલા હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ફિલ્મ માટે જબરદસ્ત માહોલ સર્જાયો છે. થાઈલેન્ડ, લંડન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ચાઈના જેવા દેશોમાં ઓએમજી પિક્ચર્સ (OMG Pictures) મારફતે ઓવરસીઝ એક્ઝિબિટર્સ પણ સ્ક્રિનિંગ આયોજન અને એડવાન્સ બુકિંગ માટે ભારે આતુરતા દર્શાવી રહ્યા છે.
મુખ્ય કલાકારો અને નિર્માતા ટીમ
સંજય પ્રજાપતિ દ્વારા લિખિત અને પ્રશાંત દેશાવલ દ્વારા નિર્દેશિત આ ભવ્ય ફિલ્મમાં પ્રતિભાશાળી કલાકારોની મોટી ફોજ જોવા મળશે:
કલાકારો: આકાશ પંડ્યા, આર.જે. સલોની, ભૂષણ ભટ્ટ, ભાવિન, મયૂર કુમાર, સાગર પંચાલ, હરિકૃષ્ણ દવે, ભરત ઠક્કર, હેતલ બારોટ, કલ્પેશ પટેલ, નિહારિકા દવે, મીત, અતુલ પ્રજાપતિ, પ્રથમ, પરેશ શુક્લા અને મહેશ કોટેચા.
નિર્માતાઓ: ધ્રુવ દેશાવલ, અમિત સંતોકી, ચેતન થુમ્મર, આનંદ અઘારા, હાર્દિક પટેલ અને સહ-નિર્માતા મોહિત વઘાસિયા.
આ ભવ્ય પ્રોજેક્ટને લઈને સમગ્ર સિનેમા જગત, થિયેટર માલિકો અને પ્રેક્ષકોમાં ભારે અપેક્ષાઓ સેવાઈ રહી છે.
