કરીના કપૂર પ્રેગ્નન્ટ છે કે નહીં? વાયરલ વિડીયો બાદ ટીમે આપ્યો ખુલાસો, અભિનેત્રીએ મજાકિયા અંદાજમાં અફવાઓ ફગાવી

શનિવારે કરીનાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાના મેકઅપ આર્ટિસ્ટ મિતેશ રજાનીની એક તસવીર શૅર કરી હતી, જેમાં તે પોતાનું ફુલેલું પેટ બતાવતા જોવા મળી રહ્યા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 23 Aug 2026 03:38 PM (IST)Updated: Sun, 23 Aug 2026 03:38 PM (IST)
kareena-kapoor-khan-reacts-to-pregnancy-rumors-food-baby-post-mumbai-spotting
કરીના કપૂર

Kareena Kapoor Khan Pregnancy Rumors: બોલિવૂડની 'બેબો' એટલે કે કરીના કપૂર ખાન પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેનો એક વિડીયો વાયરલ થયા બાદ તેની ત્રીજી પ્રેગ્નન્સીને લઈને અટકળોનો દોર શરૂ થઈ ગયો હતો. જોકે, કરીનાએ પોતાના અનોખા અને મજાકિયા અંદાજમાં આ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

'ફૂડ બેબી' ની તસવીર સાથે આપ્યો સણસણતો જવાબ

શનિવારે કરીનાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાના મેકઅપ આર્ટિસ્ટ મિતેશ રજાનીની એક તસવીર શૅર કરી હતી, જેમાં તે પોતાનું ફુલેલું પેટ બતાવતા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટના બેકગ્રાઉન્ડમાં ફિલ્મ 'હમ આપકે હૈં કૌન..!' નું પ્રખ્યાત ગીત 'ચોકલેટ લાઈમ જ્યુસ' વાગી રહ્યું હતું અને સાથે હસવાના તથા પિઝાના ઈમોજી મુકાયા હતા. આ પોસ્ટ દ્વારા કરીનાએ ઈશારામાં સ્પષ્ટ કર્યું કે લોકો જેને 'બેબી બમ્પ' માની રહ્યા હતા, તે વાસ્તવમાં 'ફૂડ બેબી' એટલે કે ખાવાના કારણે નીકળેલું પેટ હતું.

"પાગલ કરી દો છો તમે લોકો": કરીના કપૂર

અફવાઓ શરૂ થયા બાદ શનિવારે કરીના મુંબઈમાં બહાર નીકળતી વખતે પેપરાઝીના કેમેરામાં કેદ થઈ હતી. પીળા શર્ટ અને કાળા પેન્ટમાં નજરે પડેલી કરીનાને જ્યારે પેપરાઝીએ ઘેરી લીધી, ત્યારે તેણે હસતાં હસતાં કહ્યું, "પાગલ કરી દો છો તમે લોકો." ઉલ્લેખનીય છે કે, જીમ બહારથી સામે આવેલા વિડીયોમાં ટીમના સભ્ય દ્વારા છત્રી ધરવામાં આવતા યુઝર્સે તેના ત્રીજીવાર માતા બનવાની અટકળો શરૂ કરી હતી.

ટીમ અને નણંદ સબાએ કરી સ્પષ્ટતા

કરીનાની ટીમે સત્તાવાર રીતે આ અફવાઓને ફગાવી દેતાં જણાવ્યું હતું કે તે પ્રેગ્નન્ટ નથી. બીજી તરફ, તેની નણંદ સબા અલી ખાન પટૌડીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોકોને સ્પષ્ટતા કરી હતી કે, "કોઈ ખરાબ એંગલ હોઈ શકે છે. મિત્રો, લોકોને જીવવા દો અને આવી બાબતોમાં અટકળો ન લગાવો."

જણાવી દઈએ કે કરીના અને સૈફ અલી ખાન પહેલાથી જ બે પુત્રો (તૈમૂર અને જેહ) ના માતા-પિતા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, કરીના ટૂંક સમયમાં મેઘના ગુલઝારની ફિલ્મ 'દાયરા' માં એક પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે.