Kanika Kapoor: "બેબી ડોલ" (Baby Doll) અને "ચિટ્ટિયાં કલાઈયાં" (Chittiyaan Kalaiyaan) જેવા અસંખ્ય સુપરહિટ બોલિવૂડ ગીતોથી દેશભરમાં જાણીતી બનેલી સિંગર કનિકા કપૂરે (Kanika Kapoor) તેમના ઉદ્યોગપતિ પતિ ગૌતમ હથિરામાનીથી અલગ થવાની જાહેરાત કરીને ચાહકોને આઘાતમાં સરી પાડ્યા છે. લગ્નના ચાર વર્ષ બાદ આ દંપતીએ પરસ્પર સંમતિથી એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. કનિકાએ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરીને પોતાની આ અંગત પીડા વ્યક્ત કરી હતી.
સોશિયલ મીડિયા પર કનિકાએ કરી ભાવુક પોસ્ટ
પોતાની સત્તાવાર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરતા કનિકા કપૂરે લખ્યું, "પ્રિય મિત્રો અને પરિવારજનો, ખૂબ વિચાર-વિમર્શ કર્યા પછી, મેં અને મારા પતિએ અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે સાથે વિતાવેલા સમય માટે હું આભારી છું અને તેમના ભવિષ્ય માટે તેમને શુભકામનાઓ પાઠવું છું. હું વિનંતી કરું છું કે આ મુશ્કેલ સમય દરમિયાન તમે અમારી અંગત ગોપનીયતા (પ્રાઈવસી)નું સન્માન કરો. સ્નેહ, કનિકા."
સિંગરની આ પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ અને તેમના પતિ ગૌતમ લગ્નના ચાર વર્ષ બાદ અલગ થઈ રહ્યા છે, જોકે તેમણે પોતાની પોસ્ટમાં 'છૂટાછેડા' શબ્દનો ઉપયોગ કર્યો નથી અને અલગ થવા પાછળનું ચોક્કસ કારણ પણ જાહેર કર્યું નથી.
15 વર્ષ જૂની મિત્રતા બાદ 2022માં કર્યા હતા લગ્ન
અગાઉ ગૌતમ હથિરામાની સાથેના પોતાના સંબંધો વિશે વાત કરતી વખતે કનિકા કપૂરે ખુલાસો કર્યો હતો કે તેઓ એકબીજાને 15 વર્ષથી ઓળખતા હતા અને ખૂબ જ ગાઢ મિત્રો હતા. કનિકાએ પોતે ગૌતમને બે વાર લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. પહેલીવાર 2014માં અને બીજીવાર 2020માં. ત્યારબાદ ઓગસ્ટ 2021માં ગૌતમે કનિકાને પ્રપોઝ કર્યું હતું અને આખરે 20 મે, 2022ના રોજ આ યુગલે લંડનમાં પરિવારજનો અને નજીકના મિત્રોની હાજરીમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા.
કનિકા કપૂરના આ બીજા લગ્ન હતા
ઉલ્લેખનીય છે કે, કનિકા કપૂરના આ બીજા લગ્ન હતા. અગાઉ 1998માં માત્ર 18 વર્ષની નાની ઉંમરે તેમણે ઉદ્યોગપતિ રાજ ચાંદોક સાથે લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્નથી કનિકાને ત્રણ બાળકો છે બે પુત્રીઓ અનાયા અને સમાયરા, તથા એક પુત્ર યુવરાજ. રાજ સાથે લગ્ન કર્યા બાદ કનિકા લંડન શિફ્ટ થઈ ગઈ હતી. જોકે, વર્ષ 2012માં પતિ સાથે અણબનાવ થતાં બંને અલગ થઈ ગયા હતા, જે પછી કનિકા ભારત પરત ફરી હતી અને બોલિવૂડમાં ગાયકી ક્ષેત્રે પોતાની સફળ કારકિર્દી બનાવી હતી.
