Jagran Film Festival 2026 Mumbai: મનોરંજનની રાજધાની ગણાતા મુંબઈમાં ચાલી રહેલા 'જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ 2026' (JFF 2026)નો અંતિમ તબક્કો આજે રાત્રે એક ભવ્ય 'અવોર્ડ્સ નાઈટ' સાથે સંપન્ન થવા જઈ રહ્યો છે. ચાર દિવસ સુધી ચાલેલા આ સિનેમા મહોત્સવમાં ભારત અને વિદેશની શ્રેષ્ઠ ફીચર ફિલ્મો, શોર્ટ ફિલ્મ્સ અને ડોક્યુમેન્ટરીઝ રજૂ કરવામાં આવી હતી. આ મહોત્સવ દરમિયાન બોલિવૂડ અને વિશ્વ સિનેમાના જાણીતા દિગ્દર્શકોથી લઈને ઉભરતી પ્રતિભાઓ એક જ મંચ પર એકત્રિત થઈ હતી.
'અવોર્ડ્સ નાઈટ' સાથે JFFનું ભવ્ય સમાપન
વિશ્વના સૌથી મોટા 'ટ્રાવેલિંગ' ફિલ્મ ફેસ્ટિવલ તરીકે જાણીતો 'જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ' દેશના વિવિધ શહેરોની મુસાફરી કર્યા બાદ તેના અંતિમ તબક્કામાં મુંબઈ પહોંચે છે. આજે 1 નવેમ્બર, 2026ના રોજ 'સપનાઓની નગરી' મુંબઈમાં પુરસ્કાર સમારોહ સાથે તેનું સમાપન થશે. આ કાર્યક્રમ દરમિયાન સિનેમા જગતમાં નોંધપાત્ર યોગદાન આપનારી ફિલ્મો, કલાકારો અને તકનીકી ક્ષેત્રના અગ્રણીઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવશે. સૌની નજર એ વાત પર મંડાયેલી છે કે 'શ્રેષ્ઠ ફિલ્મ' અને 'શ્રેષ્ઠ કલાકાર' જેવા મુખ્ય પુરસ્કારો કઈ ફિલ્મ અને કયા કલાકારોના નામે થાય છે.
પુરસ્કાર સમારોહની તારીખ, સ્થળ અને સમય
'JFF 2026' ની શરૂઆત 28 ઓક્ટોબરના રોજ મુંબઈમાં ભવ્ય ઉદ્ઘાટન સાથે થઈ હતી. ત્યારબાદ 31 ઓક્ટોબર સુધી વિવિધ વર્કશોપ અને વિશેષ સત્રોનું આયોજન કરાયું હતું.
- તારીખ અને સમય: 1 નવેમ્બર, 2026 (સાંજે 7:30 વાગ્યે)
- સ્થળ: ગ્રાન્ડ સંગમ બોલરૂમ, JW મેરિયોટ (JW Marriott), જુહુ, મુંબઈ
- થીમ: "સિનેમાને માત્ર પ્રેમ જ ન કરો—તેને જીવો" (Don’t just love cinema—live it)
બોલિવૂડના આ દિગ્ગજો હાજરી આપે તેવી સંભાવના
અહેવાલો અનુસાર, આજે યોજાનારી એવોર્ડ નાઈટમાં ફિલ્મ ઉદ્યોગના અનેક જાણીતા સિતારાઓ રેડ કાર્પેટ પર જોવા મળી શકે છે. જેમાં રોહિત શેટ્ટી, સની દેઓલ, બોબી દેઓલ, ડેવિડ ધવન, ભાગ્યશ્રી, દિવ્યા દત્તા, ઈમ્તિયાઝ અલી, મહિમા મકવાણા, હેલી શાહ, ટિસ્કા ચોપરા, અમાયરા દસ્તુર, માનસી પારેખ અને ક્રિસ્ટલ ડિસોઝા જેવા અનેક કલાકારોના નામ સામેલ છે.
નોંધ: એવોર્ડ સમારોહમાં પ્રવેશ માત્ર આમંત્રણ દ્વારા જ રાખવામાં આવ્યો છે.
