મુંબઈ.
બૉલિવૂડ એક્ટર ઈશાન ખટ્ટર ટૂંક સમયમાં હૉલિવૂડમાં પણ પોતાની કિસ્મત અજમાવવા જઈ રહ્યો છે. હાલમાં જ ઈશાન ખટ્ટરને એક વેબ સિરીઝમાં કામ મળ્યું છે, જેમાં તે હૉલિવૂડ એક્ટ્રેસ નિકોલ કિડમેન સાથે જોવા મળશે. આ સિરીઝ ઈલિન હિલ્ડરબ્રેન્ડની નૉવેલ 'ધી પરફેક્ટ કપલ' પર આધારિત છે.
અગાઉ ઈશાન કિશન ઈંગ્લિશ ફિલ્મ "ડૉન્ટ લુક અપ"માં કેમિયો કરી ચૂક્યો છે, પરંતુ આ સિરીઝમાં તે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ગત મહિને જ ઈશાને આ પ્રોજેક્ટ સ્વીકાર્યો છે.
ઈશાન છેલ્લા કેટલાક સમયથી સિરીઝ સંદર્ભે ડિરેક્ટરો સાથે વાટાઘાટ કરી રહ્યો હતો અને ગત મહિને જ તેણે આ સિરીઝમાં કામ કરવાનો નિર્ણય લીધો છે. આ સિરીઝમાં ઈવ હ્યૂસ્ટન, બિલી હૉવેલ, ડકોટા ફેનિંગ, મેઘન ફહી અને ઈસાબેલ અદજાની પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
અગાઉ ઈશાન ખટ્ટરે લિયોનાર્ડો ડિકે પ્રિયો અને જેનિફર લૉરેન્સ સ્ટારર "ડોન્ટ લુક અપ"માં નાનો કેમિયો કર્યો હતો. જેની ઝલક અભિનેતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ ફિલ્મમાં ઈશાનનો કેમિયો માત્ર થોડી સેકન્ડ પુરતો હતો, જેને દર્શકો દ્વારા પસંદ કરવામાં આવ્યો હતો. જેમાં તે મેરિલ સ્ટ્રીપ સાથે એક સીનમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ડિસેમ્બર, 2021માં નેટફ્લિક્સ પર આવી હતી. જેમાં ભારતીય મૂળના અભિનેતા હિમેશ પટેલ પણ હતા.