Ikkis Box Office Collection Day 1: શ્રીરામ રાઘવનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'ઈક્કીસ' આખરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ દ્વારા બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદાએ મોટા પડદા પર પોતાનું ડેબ્યૂ કર્યું છે. અગાઉ આ ફિલ્મ 25 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ 'ધુરંધર' અને 'વૃષભા' જેવી ફિલ્મો સાથેના બોક્સ ઓફિસ ક્લેશને ટાળવા માટે તેને 1 જાન્યુઆરી 2026 ના રોજ નવા વર્ષના અવસરે રિલીઝ કરવામાં આવી હતી.
બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 8 કરોડનું કલેક્શન
ફિલ્મના ટ્રેલર બાદથી જ પ્રેક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, અને હવે તેને વિવેચકો તરફથી પણ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, અગસ્ત્ય નંદાની આ ફિલ્મે તેના પહેલા દિવસે અંદાજે 8 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એક નવા કલાકારની ડેબ્યૂ ફિલ્મ માટે આ આંકડા ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. જો ફિલ્મની કમાણી આ જ રીતે ચાલુ રહેશે, તો ઓપનિંગ વીકેન્ડ ઘણું શાનદાર રહેવાની આશા છે.
શહીદ અરુણ ખેતરપાલની બહાદુરીની ગાથા
આ ફિલ્મ ભારતીય સેનાના સેકન્ડ લેફ્ટનન્ટ અને પરમવીર ચક્ર વિજેતા શહીદ અરુણ ખેતરપાલની બાયોપિક છે. ફિલ્મમાં અગસ્ત્ય નંદાની સાથે પીઢ અભિનેતા ધર્મેન્દ્ર પણ મહત્વની ભૂમિકામાં છે, જેમના અભિનયે દર્શકોને ભાવુક કરી દીધા છે. શહીદની વીરતાને મોટા પડદા પર જોવા માટે સિનેપ્રેમીઓમાં ખાસ્સો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
રણવીર સિંહની 'ધુરંધર' સામે મક્કમ મુકાબલો
એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે 'ઈક્કીસ' ફિલ્મ રણવીર સિંહની મોટા બજેટની ફિલ્મ 'ધુરંધર' સામે ટકી શકશે નહીં. જોકે પ્રથમ દિવસના કલેક્શનના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે અગસ્ત્ય નંદાની ફિલ્મે હાર માની નથી અને બોક્સ ઓફિસ પર મક્કમતાથી મુકાબલો કર્યો છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે આગામી દિવસોમાં આ ફિલ્મ કેટલી સફળતા મેળવે છે.
