Hiten Kumar Upcoming Movies: ગુજરાતી ચલચિત્ર જગતના દિગ્ગજ અને લોકપ્રિય અભિનેતા હિતેન કુમારે પોતાના ચાહકોને એક મોટી અને સરપ્રાઈઝ ભેટ આપી છે. તાજેતરમાં જ તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ખાસ પોસ્ટ શેર કરીને તેમની આવનારી ફિલ્મો અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. હિતેન કુમારે ખુલાસો કર્યો છે કે આગામી 6 મહિનાની અંદર તેમની એક કે બે નહીં પરંતુ પૂરી 6 ફિલ્મો મોટા પડદા પર ધમાકો કરવા આવી રહી છે. તેમની આ ઈમોશનલ અને ઉત્સાહવર્ધક પોસ્ટ બાદ ઢોલીવુડ સહિત તેમના દેશ-વિદેશના ચાહકોમાં આનંદ અને ઉત્સુકતાનો માહોલ છવાઈ ગયો છે.
હિતેન કુમારની આવનારી ફિલ્મોના નામ
- 1) 'થેન્ક યુ પપ્પા'
- 2) 'સફરનામું'
- 3) 'રફ & ટફ કન્યા'
- 4) 'ચાલો આવો છો ને?'
- 5) 'અલખ'
- 6) 'અડીખમ'
"દરેક વિષય જુદો અને પાત્રો પણ અલગ": હિતેન કુમાર
સોશિયલ મીડિયા પર ઈમોશનલ મેસેજ લખતાં હિતેન કુમારે જણાવ્યું હતું કે, "આ મારી આવનારા 6 મહિનાની ફિલ્મોના નામ છે. દરેક ફિલ્મનો વિષય અલગ છે અને દરેકના પાત્રો પણ સાવ જુદા છે. આપના આશીર્વાદને કારણે મળેલી ટેલેન્ટનો ઉપયોગ મેં હૃદયથી કર્યો છે હંમેશાં... હે ઈશ્વર આશીર્વાદ રાખજો...". પોતાના આ ટૂંકા પરંતુ અર્થસભર સંદેશ દ્વારા તેમણે દર્શકો અને ઈશ્વર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
વિવિધ વિષયો અને પાત્રો સાથે બોક્સ ઓફિસ પર ધમાકાની તૈયારી
હિતેન કુમાર પોતાની સશક્ત અદાકારી અને વિશિષ્ટ ડાયલોગ ડિલિવરી માટે જાણીતા છે. તેમણે પોતાની કારકિર્દીમાં અનેક સુપરહિત અને યાદગાર પાત્રો ભજવ્યા છે. નવી જાહેર કરેલી ફિલ્મોના નામ પરથી જ સ્પષ્ટ થાય છે કે તેમાં ફેમિલી ડ્રામા, રોમાન્સ, સસ્પેન્સ તેમજ સ્પિરિચ્યુઅલ અને કલ્ચરલ થીમનો સમન્વય જોવા મળશે. આગામી સમયમાં તેમના અનોખા અને અલગ-અલગ અવતાર સિનેમાઘરોમાં જોવા માટે તેમના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
