Dharmendra News: જીવનમાં બસ ખાલીપો રહી ગયો… ધર્મેન્દ્રના નિધન બાદ હેમા માલિનીની પહેલી ભાવુક પોસ્ટ

ધર્મેન્દ્રના નિધનના લગભગ ત્રણ દિવસ પછી તેમની પત્ની હેમા માલિનીએ પહેલીવાર સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે, સાથે જ ધર્મેન્દ્ર સાથેના પોતાના જૂના ફોટા શેર કર્યા છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Thu, 27 Nov 2025 01:10 PM (IST)Updated: Thu, 27 Nov 2025 01:10 PM (IST)
hema-malini-posts-emotional-tribute-remembering-dharmendra

Hema Malini Emotional Post: બોલિવૂડના 'હીમેન' ધર્મેન્દ્ર હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમના નિધનના લગભગ ત્રણ દિવસ પછી તેમની પત્ની હેમા માલિનીએ પહેલીવાર સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે. ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર 24 નવેમ્બરના રોજ કરવામાં આવ્યા હતા. હેમા માલિનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ લખીને ધર્મેન્દ્ર સાથેના પોતાના જૂના ફોટા શેર કર્યા છે. આ પોસ્ટમાં તેમણે ધર્મેન્દ્રને પોતાના પતિ, પિતા, મિત્ર અને માર્ગદર્શક (ગાઈડ) ગણાવ્યા છે અને કહ્યું છે કે ધર્મેન્દ્ર તેમના માટે બધું જ હતા.

હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથેના સંબંધોને કર્યા યાદ

હેમા માલિનીએ પોતાના ભાવુક પોસ્ટમાં લખ્યું કે ધરમ જી, તે મારા માટે ઘણું બધું હતા. તેઓ એક વહાલા પતિ, અમારી બે દીકરીઓ ઈશા અને અહાનાના પ્રેમાળ પિતા, મિત્ર, ફિલોસોફર, માર્ગદર્શક, કવિ અને જરૂરિયાતના સમયે તેઓ જેના પર વિચાર્યા વિના જઈ શકે તેવી વ્યક્તિ હતા. ખરેખર તે મારા માટે બધું જ હતા અને સારા તેમજ ખરાબ સમયમાં હંમેશા રહ્યા છે. તેમણે ઉમેર્યું કે ધર્મેન્દ્રએ પોતાના સરળ વર્તન અને મૈત્રીપૂર્ણ અભિગમ દ્વારા તેમના પરિવારના તમામ લોકોનું દિલ જીત્યું હતું અને બધા પ્રત્યે પ્રેમ દર્શાવ્યો હતો.

હેમા માલિનીએ પોતાના દુઃખને વ્યક્ત કરતા કહ્યું કે ધર્મેન્દ્રના જવાથી તેમના જીવનમાં એક મોટો ખાલીપો આવી ગયો છે. તેઓ લખે છે કે ફિલ્મ ઉદ્યોગમાં તેમની સિદ્ધિ અને ખ્યાતિ હંમેશા જીવંત રહેશે'. તેઓ પોતાના દુઃખને શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી. તેમનું જવું તેમના જીવનમાં એક એવો ખાલીપો છોડી ગયું છે જે ક્યારેય ભરી શકાશે નહીં. આટલા વર્ષો સુધી સાથે રહ્યા પછી તેઓ હવે માત્ર યાદોના સહારે જીવવા માટે મજબૂર છે. હેમાએ કેટલીક યાદગાર પળોના સહારે તે ક્ષણોને ફરીથી જીવવાની વાત કરી. તેમણે અન્ય એક પોસ્ટમાં 'વર્ષોનો સાથ, હંમેશા અમારી સાથે રહેશે' કેપ્શન સાથે ધર્મેન્દ્ર સાથેના અનેક કેન્ડિડ મોમેન્ટ્સની તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તેમની દીકરીઓ સાથેની તસવીરો પણ છે.

ધર્મેન્દ્રને શ્વાસ લેવામાં તકલીફ થતાં 10 નવેમ્બરના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 12 નવેમ્બરના રોજ અભિનેતાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને મેડિકલ સેટઅપ સાથે ઘરે શિફ્ટ કરાયા હતા, પરંતુ થોડા દિવસોની સારવાર બાદ તેમને બચાવી શકાયા નહોતા. હેમા માલિની અને ધર્મેન્દ્રની જોડી ચાહકોની પ્રિય હતી. તેમણે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું, જેમાં 'શોલે' ફિલ્મમાં તેમની કેમેસ્ટ્રી સૌથી દમદાર લાગી હતી.