Chandan Rathod Biography Gujarati: સોશિયલ મીડિયાના યુગમાં આજે અનેક યુવાનો પોતાની પ્રતિભાના જોરે ઓળખ બનાવી રહ્યા છે, પરંતુ વાવ-થરાદના સુઈગામના વતની એવા ચંદન રાઠોડ—જેઓ સોશિયલ મીડિયા પર 'ગુજ્જુ લવ ગુરુ' (Gujju Love Guru) તરીકે જાણીતા છે. તેમની સફર અનોખી અને પ્રેરણાદાયી રહી છે. એક સામાન્ય ગ્રામીણ પૃષ્ઠભૂમિમાંથી આવીને ડિજિટલ વર્લ્ડમાં લાખો ચાહકોના દિલ જીતનાર ચંદન રાઠોડે હાસ્ય અને મનોરંજનના ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી.
સાધારણ પરિવારમાં ઉછેર થયો
ચંદન રાઠોડનો જન્મ એક સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારમાં વાવ-થરાદના સુઇગામ ગામ થયો હતો. તેમના પિતા રાઠોડ ધેંગાજી ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે તેમના માતા ગૃહિણી છે. તેમના પરિવારમાં એક નાનો ભાઈ પરેશ છે. ચંદન રાઠોડ પરિણીત છે અને તેમને બે સંતાનો (એક પુત્ર અને એક પુત્રી) છે. ગામની જ શાળામાં ધોરણ-10 સુધીનો અભ્યાસ કરનાર ચંદનનું મન ભણવા કરતાં મજાક-મસ્તીમાં વધુ પરોવાયેલું રહેતું. બાળપણમાં ગુજરાતી ફિલ્મોના પ્રખ્યાત હાસ્યકલાકાર રમેશ મહેતાની કોમેડી જોઈને તેમને પણ કલાક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા મળી હતી.
સિરામિક નોકરીથી લઈને ટિકટોક અને યુટ્યુબ સુધીની સફર
અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આર્થિક રીતે પગભર થવા માટે તેમણે સિરામિક ક્ષેત્રે નોકરીની શરૂઆત કરી હતી. નોકરીની સાથે-સાથે તેમણે પોતાના શોખને જીવંત રાખવા માટે ટિકટોક (TikTok) પર ટૂંકા કોમેડી વીડિયો બનાવવાનું શરૂ કર્યું. સોશિયલ મીડિયા એન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સાથેના વીડિયોથી તેમને ભારે લોકપ્રિયતા અને ખ્યાતિ મળી હતી.
ટિકટોક પર બેન લાગ્યા બાદ પણ તેમણે હિંમત હાર્યા વિના યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટ ક્રિએશન ચાલુ રાખ્યું. 'ગુજ્જુ લવ ગુરુ' નામની યુટ્યુબ ચેનલ શરૂ કરીને તેમણે રમુજી શોર્ટ ફિલ્મો અને દેશી કોમેડી વીડિયો અપલોડ કરવાનું શરૂ કર્યું.
સોશિયલ મીડિયા પર લાખો ચાહકોનું સામ્રાજ્ય
આજે તેમની 'ગુજ્જુ લવ ગુરુ' યુટ્યુબ ચેનલ પર 10 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ થઈ ચૂક્યા છે, જેના માટે તેમને યુટ્યુબ તરફથી ગોલ્ડ પ્લે બટન પણ પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત ઈન્સ્ટાગ્રામ પર પણ તેમની રીલ્સ અત્યંત વાયરલ થાય છે અને ત્યાં 18 લાખથી વધુ ફોલોઅર્સ તેમની સાથે જોડાયેલા છે. ખેતર અને નોકરીમાંથી શરૂ થયેલી ચંદન રાઠોડની આ સફર આજે ગુજરાતના લાખો યુવાનો માટે એક પ્રેરણાસ્રોત બની ગઈ છે.
માર્ગ અકસ્માતમાં મોત થયું
ગુજ્જુ લવ ગુરુનું મોત ભાભર-સુઇગામ રોડ પર થયું હતું, તેમના મોતથી સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી.
