Gujju Love Guru Accident: 17 સપ્ટેમ્બરે જાણીતા યુટ્યુબર અને કોમેડિયન ‘ગુજ્જુ લવ ગુરુ’ ઉર્ફે ચંદન રાઠોડના આકસ્મિક મોત બાદ હવે અકસ્માતના કારણોને લઈને લોકમાં જાતજાતની ચર્ચાઓ અને શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે. વિલેજ બોયની ટીમ સાથે શૂટિંગ પૂરું કરીને સુઈગામ પરત ફરી રહેલા ચંદન રાઠોડનું ભાભર નજીક હરિધામ ગૌશાળા પાસે માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નીપજ્યું હતું. જોકે, અકસ્માત બાદ સામે આવેલા એક વીડિયોમાં ચંદન રાઠોડનો મૃતદેહ તેમના બાઇકથી લગભગ 25 ફૂટ દૂર જોવા મળતાં લોકોમાં મૃત્યુના કારણ અંગે સવાલો ઊભા થયા છે.
સામસામે બે બાઇક ટકરાયા હોવાનો પોલીસનો ખુલાસો
અકસ્માત અંગે ચાલી રહેલી શંકાઓ વચ્ચે ભાભર પોલીસની પ્રાથમિક તપાસમાં મહત્વની વિગતો સામે આવી છે. ભાભર PSI એચ. એલ. જોશીએ જણાવ્યું હતું કે, આ ઘટના કોઈ બાઇક સ્લિપ થવાની નથી પણ બે બાઇક વચ્ચે સામસામે અથડામણ થઈ હોવાની વિગતો મળી છે.
અકસ્માતમાં સામેવાળા બાઇકચાલકને સાથળના ભાગે ઈજા પહોંચી હતી અને તે ઘટનાસ્થળેથી સારવાર અર્થે હોસ્પિટલ પહોંચ્યો હતો. બાઇકથી મૃતદેહ 25 ફૂટ દૂર હોવાના મુદ્દે પોલીસે સ્પષ્ટતા કરી હતી કે, અકસ્માતની તીવ્રતા વધુ હોય ત્યારે અથડામણ બાદ વાહન અને વાહનચાલક અલગ-અલગ દિશામાં દૂર સુધી ફંગોળાઈ જતાં હોય છે, જેથી 25 ફૂટ દૂર મૃતાંશ હોવો તે અકસ્માતની શક્યતાને જ સમર્થન આપે છે.
પરિવાર તરફથી ફરિયાદ બાકી, સુઈગામમાં શોકનું મોજું
પોલીસના જણાવ્યા અનુસાર, હજુ સુધી મૃતક ચંદન રાઠોડના પરિવારજનો તરફથી કોઈ સત્તાવાર FIR નોંધાવવામાં આવી નથી, જેના કારણે પોલીસ હાલ કોઈ વ્યક્તિ સામે સત્તાવાર રીતે ગુનો દાખલ કરી શકી નથી.
બીજી તરફ, વાવ-થરાદ અને સુઈગામ પંથક સહિત સમગ્ર ગુજરાતમાં પોતાની આગવી દેશી કોમેડીથી લાખો લોકોના દિલ જીતનાર ચંદન રાઠોડના અંતિમ સંસ્કાર સુઈગામ ખાતે કરવામાં આવ્યા હતા. તેમની અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં ચાહકો અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને અશ્રુભીની આંખે 'ગુજ્જુ લવ ગુરૂ'ને અંતિમ વિદાય આપી હતી. પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ આ મામલે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરશે.
