Rajal Barot Marriage: ગુજરાતના જાણીતા સ્વર્ગસ્થ લોકગાયક મણિરાજ બારોટની દીકરી અને ડાયરા ક્વિન રાજલ બારોટના આજે લગ્ન થઈ રહ્યા છે. લગ્ન પૂર્વે ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાતી સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળ્યો હતો.
રાજલ બારોટના રાસ-ગરબામાં ગુજરાતી ફિલ્મ અભિનેતા હિતુ કનોડિયા, પત્ની મોના થીબા કનોડિયા સાથે હાજર રહ્યા હતા. આ ઉપરાંત કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતા રબારી, ગાયિકા કાજલ મહેરિયા, જીગ્નેશ કવિરાજ, અલ્પા પટેલ, અપેક્ષા પંડ્યા, અને દેવાયત ખવડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ઉત્તર ગુજરાતના પાટણમાં જન્મેલ રાજલ બારોટની ગત મે મહિનામાં જ કોળી સમાજના અલ્પેશ બાંભણિયા સાથે સગાઈ થઈ હતી. અલ્પેશ બાંભણિયા ઉના નગર પાલિકાના સભ્ય તેમજ મસાજ સેવક છે. જેઓ ઘણી વખત રાજલ બારોટના કાર્યક્રમમાં હાજરી આપી ચૂક્યા છે. રાજલ અને અલ્પેશની સગાઈના ફંક્શનમાં પણ ગુજરાતના અનેક જાણીતા કલાકારોએ હાજરી આપી હતી.
જણાવી દઈએ કે, રાજલ બારોટને ગાવાની પ્રથમ તક પણ તેના સ્વર્ગસ્થ પિતા મણિરાજ બારોટે જ આપી હતી. પિતાના આશીર્વાદથી જ રાજલ બારોટ આજે લોકડાયરા અને ગરબાના કાર્યક્રમ કરી રહી છે.
સૌ પ્રથમ 2006માં રાજલ બારોટે 'હેલ ભરીને હું તો હાલું' લોકગીત ગાયું હતુ. જેના માટે તેમને પ્રોત્સાહક ઈનામ પણ આપવામાં આવ્યું હતુ. જે બાદ રાજલ બારોટે ક્યારેય પાછળ વળીને નથી જોયું.
રાજલ બારોટને ચાર બહેનો છે અને કોઈ ભાઈ નથી. આથી રાજલ બારોટે એક ભાઈ તરીકેની ફરજ બખુબી નિભાવીને સમાજમાં ઉત્તમ દાખલો બેસાડ્યો છે. રાજલે પોતાની એક મોટી બહેન અને બે નાની બહેનના પણ ધામધૂમથી લગ્ન કરાવીને તેમનું કન્યાદાન કર્યું હતુ.
