Govinda Sunita Controversy: 90ના દાયકાના સુપરસ્ટાર ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા વચ્ચેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં જ બાંદ્રા ફેમિલી કોર્ટમાંથી છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધા બાદ એવું માનવામાં આવતું હતું કે આ દંપતી વચ્ચે હવે બધું થાળે પડી ગયું છે. પરંતુ, સુનિતા આહુજા અને વિવાદિત અભિનેત્રી રાખી સાવંત વચ્ચે થયેલી ફોન વાતચીતનો એક ચોંકાવનારો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં બોલિવૂડ અને નેટીઝન્સમાં ફરી એકવાર ભારે સનસનાટી મચી ગઈ છે.
રાખી સાવંત સાથેની વાતચીતમાં મોટો ખુલાસો
એન્ટરટેઈનમેન્ટ પોર્ટલ 'ટેલીચક્કર' દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો અનુસાર, રાખી સાવંતે સુનિતા આહુજાને ફોન કરીને તેમનું કુશળ પૂછ્યું હતું. વાતચીત દરમિયાન સુનિતા અત્યંત ઉદાસ અવાજમાં વાત કરતી સંભળાય છે. રાખી જ્યારે કહે છે કે તેણે યોગ્ય નિર્ણય લીધો છે, ત્યારે સુનિતા કહે છે, "તમારે મારા સમર્થનમાં ખુલ્લેઆમ બોલવું જોઈએ, કારણ કે તમને આખી સ્ટોરી ખબર છે. પૂનમ પાંડે અને અન્ય લોકોએ પણ મારા પક્ષમાં બોલવું જોઈએ."
સુનિતાનો સનસનાટીભર્યો દાવો
વાતચીતમાં આગળ રાાખી જ્યારે કૌટુંબિક સંબંધોનું ઉદાહરણ આપે છે, ત્યારે સુનિતાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું, "હું છેલ્લાં પાંચ-છ વર્ષથી આ બધું ચૂપચાપ સહન કરી રહી હતી. હવે શું મારી જગ્યા કોઈ અન્યને આપી દેવામાં આવશે? મને હોટેલ્સ અને અન્ય જગ્યાએથી સતત ફોન આવી રહ્યા છે. એક પત્ની તરીકે આ પરિસ્થિતિમાંથી પસાર થવું કેટલું દર્દનાક હોય તેની કલ્પના કરો."
સૌથી ચોંકાવનારો ખુલાસો કરતાં સુનિતાએ ઉમેર્યું કે, "તેઓ (ગોવિંદા) તે સ્ત્રી સાથે લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા હતા. તેથી જ ગઈકાલે મેં કોર્ટમાં જઈને છૂટાછેડાનો કેસ તાત્કાલિક પાછો ખેંચી લીધો જેથી તે લગ્ન ન કરી શકે."
ઉલ્લેખનીય છે કે, સુનિતાએ અગાઉ ગોવિંદાના લગ્નેત્તર સંબંધો અંગે જાહેરમાં ખુલાસો કર્યો હતો. હાલ આ વાયરલ કૉલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
