Dhurandhar Box Office Collection Day 26: રણવીર સિંહ અભિનીત ફિલ્મ 'ધુરંધર' ભારતીય બોક્સ ઓફિસ પર તેનું શાનદાર પ્રદર્શન જાળવી રાખ્યું છે. આ સ્પાય એક્શન થ્રિલર ફિલ્મે રિલીઝના ચોથા મંગળવારે પણ દેશ અને દુનિયાભરમાં જોરદાર કમાણી કરી છે. ચોથા સોમવારે જ આ ફિલ્મે ભારતમાં 700 કરોડનો આંકડો પાર કરીને હિન્દી સિનેમાના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
26 દિવસમાં બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ
બોક્સ ઓફિસ પર 'ધુરંધર' સતત 26 દિવસથી ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ સતત 26 દિવસ સુધી ડબલ ડિજિટમાં (10 કરોડથી વધુ) કમાણી કરનારી એકમાત્ર ભારતીય ફિલ્મ બની ગઈ છે. 'પુષ્પા 2', 'પઠાન' કે 'સ્ત્રી 2' જેવી ફિલ્મો પણ આ સિદ્ધિ મેળવી શકી નથી. સેકનિલ્કના અહેવાલ અનુસાર 26મા દિવસે ફિલ્મે 11.25 કરોડની કમાણી કરી છે, જેનાથી ભારતનું કુલ કલેક્શન 712.25 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.
વર્લ્ડવાઈડ 1100 કરોડની ક્લબમાં સામેલ થવા તરફ
વિશ્વભરમાં પણ આ ફિલ્મ 1100 કરોડના આંકડાને સ્પર્શવાની ખૂબ નજીક છે. 26 દિવસના અંતે 'ધુરંધર'નું કુલ વર્લ્ડવાઈડ કલેક્શન આશરે 1095.5 કરોડ રૂપિયા થઈ ગયું છે. વિદેશી બજારમાં ફિલ્મે અત્યાર સુધીમાં 240.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પ્રોડક્શન હાઉસના જણાવ્યા અનુસાર ભારતમાં ફિલ્મનું નેટ કલેક્શન 741.90 કરોડ રૂપિયા રહ્યું છે.
મોટી ફિલ્મોના રેકોર્ડ તોડવાની તૈયારી
'ધુરંધર' હવે શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ના 1160 કરોડ રૂપિયાના લાઈફટાઈમ કલેક્શનને ટક્કર આપી રહી છે. આ ફિલ્મે અગાઉથી જ પ્રભાસની 'કલ્કી 2898 એડી' (1040 કરોડ) અને શાહરૂખ ખાનની 'પઠાન' (1055 કરોડ) જેવી બ્લોકબસ્ટર ફિલ્મોને પાછળ છોડી દીધી છે. જો આ ગતિ ચાલુ રહેશે તો તે બોલીવુડની અત્યાર સુધીની સૌથી મોટી હિટ ફિલ્મ બની શકે છે.
કમાણીના આંકડાઓ પર એક નજર કરીએ તો ફિલ્મે પ્રથમ સપ્તાહમાં 207.25 કરોડ, બીજા સપ્તાહમાં 253.25 કરોડ અને ત્રીજા સપ્તાહમાં 172 કરોડની કમાણી કરી હતી. ચોથા સપ્તાહમાં પણ તેનું પ્રદર્શન મજબૂત રહ્યું છે, જેમાં 22મા દિવસે 15 કરોડ, 23મા દિવસે 20.5 કરોડ, 24મા દિવસે 22.5 કરોડ અને 25મા દિવસે 10.5 કરોડની કમાણી નોંધાઈ હતી. ફિલ્મની વાર્તા અને કલાકારોના અભિનયના દમ પર તે ચોથા અઠવાડિયે પણ બોક્સ ઓફિસ પર ટકી રહી છે.
