Dhurandhar Collection: રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 'ધુરંધર' જ્યારે રિલીઝ થઈ છે ત્યારથી બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. માત્ર બે અઠવાડિયામાં જ આ ફિલ્મે કમાણીના મામલે ઇતિહાસ રચી દીધો છે. સાડા ત્રણ કલાક લાંબી આ ફિલ્મનો ક્રેઝ સિનેમાઘરોમાં એવો જોવા મળી રહ્યો છે કે તેના નિર્માતાઓ માલામાલ થઈ ગયા છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર એવી ધૂમ મચાવી છે કે શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મનો રેકોર્ડ પણ હવે તૂટી ગયો છે.
શાહરૂખ ખાનની 'જવાન'નો રેકોર્ડ તૂટ્યો
શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' સૌથી ઝડપથી 500 કરોડના ક્લબમાં સામેલ થનારી પહેલી બોલિવૂડ ફિલ્મ બની હતી. આ જ ફિલ્મ માટે શાહરૂખ ખાનને નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે હવે 'જવાન'ના આ રેકોર્ડ પર 'ધુરંધર' એ કબજો કરી લીધો છે. 'જવાન' એ 18 દિવસમાં 505.95 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો, જ્યારે રણવીર સિંહની 'ધુરંધર' એ માત્ર 16 દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ પર 516 કરોડ રૂપિયાની કમાણી કરીને નવો ઇતિહાસ રચ્યો છે.
5 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં દસ્તક દેનારી 'ધુરંધર' હાલમાં આખી દુનિયામાં છવાયેલી છે. ખાસ વાત એ છે કે કેટલાક દેશોમાં આ ફિલ્મ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે, તેમ છતાં તેની કમાણી પર કોઈ ખાસ અસર પડી નથી. આ ફિલ્મ દરરોજ કલેક્શનના મામલે નવા રેકોર્ડ નોંધી રહી છે અને તેણે બે વર્ષ પહેલાં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે.
અન્ય બ્લોકબસ્ટર ફિલ્મો સાથે સરખામણી
'ધુરંધર' એ માત્ર 'જવાન' જ નહીં પરંતુ 'સ્ત્રી 2' નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે, જેણે 22 દિવસમાં 503.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જોકે આટલી સફળતા છતાં 'ધુરંધર' હજુ સુધી તેલુગુ ફિલ્મ 'પુષ્પા 2' ને પાછળ છોડી શકી નથી. અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ 'પુષ્પા 2' એ માત્ર 11 દિવસમાં ઘરેલું બોક્સ ઓફિસ પર 552 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આમ 'ધુરંધર' હવે સૌથી ઝડપી 500 કરોડ કમાનારી પહેલી બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે.
