Dharmendra Death News: બોલિવૂડ સ્ટાર ધર્મેન્દ્ર અભિનય ઉપરાંત એક બિઝનેસમેન પણ રહ્યા છે. તેમના બિઝનેસ સાહસમાં ગરમ ધરમ (Garam Dharam) ઢાબા સામેલ છે. ધર્મેન્દ્રના 'ગરમ ધરમ' ઢાબાની શરૂઆત વર્ષ 2015 માં થઈ હતી. આ સાહસ તેમના વ્યક્તિત્વથી પ્રેરિત છે. આ બિઝનેસ માટે ધર્મેન્દ્રએ રેસ્ટોરન્ટ ચલાવનારા ઉમંગ તિવારી અને મિકી મહેતા સાથે ભાગીદારી કરી હતી.
ગરમ ધરમ ઢાબાને લઈને મૂળ વિચાર ધર્મેન્દ્રની આઇકોનિક પર્સનાલિટીથી પ્રેરિત એક રેસ્ટોરન્ટ બનાવવાનો અને ચાહકો સાથે જોડાવાનો હતો. આ રેસ્ટોરન્ટ બોલિવૂડ થીમ સાથે કેઝ્યુઅલ ઢાબાનો અનુભવ આપે છે. ગરમ ધરમ એ ધર્મેન્દ્ર, રેસ્ટોરન્ટ માલિક ઉમંગ તિવારી (જે અન્ય ઘણા કાફે અને રેસ્ટોરન્ટના માલિક છે) અને મિકી મહેતા વચ્ચેનું સંયુક્ત સાહસ છે. ધર્મેન્દ્રના સેલિબ્રિટી સ્ટેટસનો ફાયદો ઉઠાવવા માટે "ગરમ ધરમ" નામની પસંદગી કરવામાં આવી હતી.
આ રેસ્ટોરન્ટને એક આધુનિક ઢાબાની થીમ પર બનાવવામાં આવ્યું છે. ગરમ ધરમના ઇન્ટિરિયરને તેમની ફિલ્મો અને પ્રખ્યાત ડાયલોગ્સથી પ્રેરિત કરીને સજાવવામાં આવ્યું છે. ગરમ ધરમ ચેઇનના આખા ભારતમાં ઘણા આઉટલેટ્સ આવેલા છે. તેનું પ્રથમ આઉટલેટ દિલ્હીના કનૉટ પ્લેસમાં ખુલ્યું હતું. મુરથલ લોકેશન પછીથી શરૂ થયું હતું.
હાલમાં તેના આઉટલેટ્સ દિલ્હી NCR અને મુરથલ, નોઇડા, ચંદીગઢ જેવા અન્ય શહેરોમાં પણ છે. વીરુ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડના નામથી જાણીતા આ સાહસે શરૂઆતમાં લંડન અને કેનેડા જેવી જગ્યાઓ સુધી બિઝનેસ ફેલાવવાની જાહેરાત કરી હતી. કંપનીએ ત્યાં પણ રેસ્ટોરન્ટ ખોલીને વિદેશી માર્કેટમાં વિસ્તરણ કરવાના પ્લાનનો ખુલાસો કર્યો હતો.
