Shah Rukh Khan King Movie: શાહરૂખ ખાનની ફિલ્મ 'કિંગ' એ રિલીઝ પહેલા જ રચ્યો ઇતિહાસ, 250 કરોડની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ

રિપોર્ટ અનુસાર, જાણીતી ફિલ્મ ડિસ્ટ્રિબ્યુશન કંપની 'પેન મરુધર' એ આ ફિલ્મના ઓલ ઈન્ડિયા થિયેટ્રિકલ ડિસ્ટ્રિબ્યુશન રાઈટ્સ 250 કરોડ રૂપિયાની માતબર કિંમતે ખરીદ્યા છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 22 Apr 2026 03:05 PM (IST)Updated: Wed, 22 Apr 2026 03:05 PM (IST)
bollywood-shah-rukh-khan-king-250-crore-distribution-deal-pen-marudhar

Shah Rukh Khan King Movie: બોલીવુડના 'બાદશાહ' શાહરૂખ ખાનની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કિંગ' ને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. હજુ તો ફિલ્મને રિલીઝ થવામાં ઘણો સમય બાકી છે, ત્યાં જ આ ફિલ્મે કમાણીના મામલે અત્યારથી જ રેકોર્ડ તોડવાનું શરૂ કરી દીધું છે. તાજેતરના અહેવાલો મુજબ, આ ફિલ્મે તેના પ્રી-રિલીઝ બિઝનેસ દ્વારા જ તેના કુલ બજેટનો અડધાથી વધુ હિસ્સો રિકવર કરી લીધો છે.

બજેટના અડધાથી વધુની કમાણી

ફિલ્મ 'કિંગ' નું કુલ બજેટ અંદાજે 400 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. રિપોર્ટ અનુસાર, જાણીતી ફિલ્મ ડિસ્ટ્રિબ્યુશન કંપની 'પેન મરુધર' એ આ ફિલ્મના ઓલ ઈન્ડિયા થિયેટ્રિકલ ડિસ્ટ્રિબ્યુશન રાઈટ્સ 250 કરોડ રૂપિયાની માતબર કિંમતે ખરીદ્યા છે. આ આ વર્ષની સૌથી મોટી અને ઐતિહાસિક ડિસ્ટ્રિબ્યુશન ડીલ્સમાંની એક માનવામાં આવે છે. પેન મરુધર અગાઉ 'જવાન', 'ડંકી', 'ઝીરો', 'બદલા' અને 'ઇત્તેફાક' જેવી ફિલ્મોમાં પણ શાહરૂખના પ્રોડક્શન હાઉસ સાથે સફળતાપૂર્વક કામ કરી ચૂકી છે.

સુહાના ખાનનું થિયેટ્રિકલ ડેબ્યૂ અને સ્ટાર કાસ્ટ

આ ફિલ્મ શાહરૂખ ખાન માટે અંગત રીતે પણ ખૂબ જ ખાસ છે કારણ કે તેમાં તે પોતાની પુત્રી સુહાના ખાન સાથે પ્રથમવાર મોટા પડદા પર જોવા મળશે. સુહાના ખાનની આ પ્રથમ થિયેટ્રિકલ રિલીઝ હશે. આ સિવાય ફિલ્મમાં કલાકારોની લાંબી ફોજ જોવા મળશે, જેમાં દીપિકા પાદુકોણ, રાની મુખર્જી, અભિષેક બચ્ચન, અનિલ કપૂર, અભય વર્મા અને અરશદ વારસી જેવા દિગ્ગજ સિતારાઓ મહત્વની ભૂમિકામાં હશે. ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે, જેઓ અગાઉ 'પઠાણ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપી ચૂક્યા છે.

ક્રિસમસ 2026 પર જામશે જંગ

'કિંગ' ફિલ્મ 24 ડિસેમ્બર 2026 ના રોજ રિલીઝ થવાની તૈયારીમાં છે. જોકે, બોક્સ ઓફિસ પર તેને આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યંત કડક ટક્કર મળવાની છે. આ જ ગાળામાં હોલીવુડની મોટી ફિલ્મો જેવી કે 'એવેન્જર્સ: ડૂમ્સ ડે', 'ડ્યૂન 3' (18 ડિસેમ્બર) અને 'જુમાંજી 3' (25 ડિસેમ્બર ) પણ રિલીઝ થવાની છે. આ ઉપરાંત, હોરર-કોમેડી ફિલ્મ 'શક્તિ શાલિની' પણ 24 ડિસેમ્બર ના રોજ જ રિલીઝ થઈ રહી છે. આ ક્રીસમસ વીકેન્ડમાં સ્ક્રીન્સ મેળવવા માટે મોટી ખેંચતાણ જોવા મળી શકે છે.

સોશિયલ મીડિયા પર ધૂમ

ફિલ્મ પ્રત્યેનો ક્રેઝ એટલો છે કે તેના ટાઇટલ રિવિલ વીડિયોને અત્યાર સુધીમાં 44 મિલિયન અને રિલીઝ ડેટના ટીઝરને 30 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ફિલ્મની વાર્તા એક મેન્ટર અને તેના શિષ્યના સંઘર્ષમય સફર પર આધારિત છે. પ્રી-રિલીઝ કમાણીના આ આંકડા જોતા લાગે છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 'દહેશત' મચાવવા માટે પૂરી રીતે સજ્જ છે.