Sawan Aaya Hai Song: બોલિવૂડમાં રોમેન્ટિક ગીતો અને યાદગાર સંગીત માટે જાણીતા ફિલ્મમેકર સૂરજ આર. બડજાત્યા ફરી એકવાર ચર્ચામાં છે. તેમની આગામી ફિલ્મ 'યે પ્રેમ મોલ લિયા'નું નવું ગીત 'સાવન આયા હૈ' રિલીઝ થતાં જ દર્શકોને પસંદ આવી રહ્યું છે. આયુષ્માન ખુરાના અને શર્વરી પર ફિલ્માવવામાં આવેલા આ ગીતે યુટ્યુબ પર માત્ર 24 કલાકમાં 12 મિલિયનથી વધુ વ્યુઝ મેળવીને સોશિયલ મીડિયા પર પણ ચર્ચા જગાવી છે.
'સાવન આયા હૈ' ગીતે મચાવી ધૂમ, 24 કલાકમાં 1.2 કરોડ વ્યુઝ
આ પણ વાંચો
હિન્દી સિનેમામાં વરસાદ અને પ્રેમને જોડતાં ગીતોની એક અલગ જ ઓળખ રહી છે. સૂરજ આર. બડજાત્યાએ પણ પોતાની ફિલ્મોમાં આવા યાદગાર ગીતો આપ્યાં છે. 'હમ આપકે હૈં કૌન..!'નું 'યે મૌસમ કા જાદૂ હૈ મિતવા' હોય કે 'હમ સાથ સાથ હૈં'નું 'મ્હારે હિવડા મેં નાચે મોર', તેમનાં ગીતો આજે પણ સંગીતપ્રેમીઓમાં લોકપ્રિય છે. હવે તેમની આગામી ફિલ્મ 'યે પ્રેમ મોલ લિયા'નું 'સાવન આયા હૈ' પણ આ યાદીમાં સ્થાન મેળવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ગીત રિલીઝ થયા બાદ માત્ર એક જ દિવસમાં 12 મિલિયનથી વધુ વ્યુઝ મેળવી ચૂક્યું છે.
આયુષ્માન ખુરાના અને શર્વરીની રોમેન્ટિક કેમિસ્ટ્રી
'સાવન આયા હૈ' ગીતમાં આયુષ્માન ખુરાના અને શર્વરીની સુંદર કેમિસ્ટ્રી જોવા મળે છે. ચોમાસાની મનમોહક પૃષ્ઠભૂમિમાં ફિલ્માવાયેલા આ ગીતમાં બંને કલાકારો વચ્ચેની પ્રેમભરી પળો દર્શાવવામાં આવી છે. દિવાળીની તૈયારીઓ અને ઘરની સાફસફાઈ વચ્ચે પરિવારની ખુશીઓની સાથે બંને વરસાદમાં રોમેન્ટિક ક્ષણો માણતા જોવા મળે છે.
બંનેની ચોરીછૂપીથી મળતી નજરો અને એકબીજા પ્રત્યેની લાગણીઓ ગીતને વધુ ખાસ બનાવે છે. ગીતમાં જૂના હિન્દી સિનેમાના રોમાન્સની ઝલક પણ જોવા મળે છે, જ્યાં ઓછા શબ્દોમાં પ્રેમની લાગણીઓ સુંદર રીતે વ્યક્ત થતી હતી.
હિમેશ રેશમિયાનું સંગીત અને શ્રેયા ઘોષાલનો મધુર અવાજ
આ રોમેન્ટિક ગીતને હિમેશ રેશમિયાએ સંગીત આપ્યું છે. જ્યારે શ્રેયા ઘોષાલ અને કેશવ આનંદે પોતાના અવાજથી ગીતને વધુ મધુર બનાવ્યું છે. ગીતના શબ્દો મયૂર પુરીએ લખ્યા છે. સંગીતની સુંદર ધૂન, શ્રેયા ઘોષાલનો સુરીલો અવાજ અને પ્રેમભર્યા શબ્દો મળીને ગીતને એક અલગ જ રોમેન્ટિક અહેસાસ આપે છે.
મોટી સ્ટારકાસ્ટ સાથે પરત ફરી રહ્યા છે સૂરજ બડજાત્યા
સૂરજ આર. બડજાત્યા લાંબા સમય બાદ ફરી એકવાર પારિવારિક સંબંધો અને રોમાન્સથી ભરેલી ફિલ્મ લઈને આવી રહ્યા છે. 'યે પ્રેમ મોલ લિયા'માં આયુષ્માન ખુરાના અને શર્વરી મુખ્ય ભૂમિકામાં છે. તેમની સાથે અનુપમ ખેર, સુપ્રિયા પાઠક, સીમા પાહવા, સૌમ્યા ટંડન, સ્વાનંદ કિરકિરે, શાદ રંધાવા, શ્રુતિ સેઠ, ગીતા અગ્રવાલ શર્મા, કૃશ રાવ અને અશ્નૂર કૌર જેવા કલાકારો પણ જોવા મળશે.
ક્યારે રિલીઝ થશે 'યે પ્રેમ મોલ લિયા'?
રાજશ્રી પ્રોડક્શન્સ દ્વારા મહાવીર જૈન ફિલ્મ્સ સાથે મળીને નિર્મિત આ ફિલ્મનું નિર્દેશન સૂરજ આર. બડજાત્યાએ કર્યું છે. ફિલ્મ 27 નવેમ્બર, 2026ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. હાલમાં ફિલ્મનું નવું ગીત 'સાવન આયા હૈ' દર્શકોમાં લોકપ્રિય બની રહ્યું છે, ત્યારે હવે ફિલ્મને લઈને પણ ચાહકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
