Shah Rukh Khan: બોલિવૂડના કિંગ અને સુપર સ્ટાર શાહરૂખ ખાન આજે 2 નવેમ્બરના રોજ 60 વર્ષના થયો છે, એટલે કે તે હવે નિવૃત્તિની ઉંમરે પહોંચી ગયો છે. જોકે, ફિલ્મ ઉદ્યોગમાં તેનો કરિશ્મા અકબંધ છે. ત્રણ દાયકાના ફિલ્મી કરિયરમાં, કિંગ ખાન અસંખ્ય ફિલ્મમાં દેખાય છે અને અપાર સંપત્તિ અને ખ્યાતિ મેળવી છે. શું તમે જાણો છો કે સફળ અભિનેતા હોવા ઉપરાંત, શાહરૂખ ખાન એક સફળ ઉદ્યોગપતિ પણ છે. તેના 30 વર્ષના ફિલ્મી કરિયરમાં, શાહરૂખ ખાન એક વૈશ્વિક બ્રાન્ડ બની ગયો છે. 2025ની હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ અનુસાર, શાહરૂખની કુલ સંપત્તિ હવે ₹12,490 કરોડ છે.
એક્ટર સાથે ફિલ્મ નિર્માતા
1992માં ફિલ્મ "દીવાના" દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરનારા શાહરૂખ ખાને માત્ર આઠ વર્ષમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી હતી. નિર્માતા તરીકે તેની પહેલી ફિલ્મ 2000 માં આવી હતી. તેને "ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની" સાથે પોતાનો સફળ વ્યવસાયિક સાહસ શરૂ કર્યો હતો. જોકે, તે સમયે તેમણે જુહી ચાવલા સાથે આ કંપની શરૂ કરી હતી.
ડ્રીમ્સ અનલિમિટેડ પ્રોડક્શન કંપની હેઠળ, તેમણે "ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની", "અશોકા" અને "ચલતે ચલતે" જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. જોકે, બાદમાં તેમણે કંપનીનું નામ બદલીને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ કર્યું, અને તેમની પત્ની ગૌરી ખાને કંપનીની બાગડોર સંભાળી હતી. રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ, તેમણે તેમની પહેલી ફિલ્મ "મૈં હૂં ના" નું નિર્માણ કર્યું. ત્યારબાદ, "જવાન", "ચેન્નઈ એક્સપ્રેસ" અને "હેપ્પી ન્યૂ યર" સહિત ઘણી અન્ય હિટ ફિલ્મોનું નિર્માણ કર્યું છે.
નોંધનીય છે કે, રેડ ચિલીઝ માત્ર એક પ્રોડક્શન કંપની નથી, પરંતુ VFX ડિવિઝન ધરાવતી મનોરંજન કંપની પણ છે. નાણાકીય વર્ષ 2023 માં, કંપનીએ ₹85 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. તેની આવક બમણી થઈને ₹300 કરોડ થઈ ગઈ છે.
ફિલ્મો ઉપરાંત પૈસાનું ક્યાં રોકાણ કર્યું?
અભિનેતા અને ફિલ્મ નિર્માતા હોવા ઉપરાંત, શાહરુખ ખાને અન્ય વ્યવસાયિક સાહસોમાં પણ રોકાણ કર્યું છે. ફાઇનાન્સિયલ એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે, શાહરૂખ ખાનનું ફેમિલી ઓફિસ તાજેતરમાં મુંબઈ સ્થિત આશિકા ગ્રુપ દ્વારા શરૂ કરાયેલા $1 બિલિયનના સહ-રોકાણ પ્લેટફોર્મમાં ભાગ લેનારા 29 અનન્ય રોકાણકારોમાંનું એક બન્યું છે. દરેક ફેમિલી ઓફિસનું સરેરાશ રોકાણ કદ આશરે $35 મિલિયન હોવાનું જાણવા મળે છે.
IPL ટીમમાં પણ હિસ્સો
શાહરૂખ ખાન જુહી ચાવલા અને જય મહેતા સાથે કોલકાતા નાઈટ રાઇડર્સનો સહ-માલિક છે. 2024 IPL જીત્યા પછી, KKR ની બ્રાન્ડ વેલ્યુ ₹942 કરોડ સુધી પહોંચી ગઈ છે. એવો અંદાજ છે કે તે ફક્ત આ ફ્રેન્ચાઇઝીમાંથી વાર્ષિક આશરે ₹250 કરોડ કમાય છે. 2011 માં, તેમણે બાળકો માટે ઇન્ટરેક્ટિવ મનોરંજન કેન્દ્રોની વૈશ્વિક શૃંખલા, કિડઝાનિયાના ભારતીય એકમમાં 26% નો વ્યૂહાત્મક હિસ્સો ખરીદ્યો.
શાહરૂખ ખાનની પ્રોપર્ટી
એક અભિનેતા તરીકે, શાહરૂખ ખાનની લાઇફ સ્ટાઇલ એકદમ વૈભવી છે, જેમાં તેમના ઘરથી લઈને કારના કાફલાનો સમાવેશ થાય છે. કિંગ ખાનના રિયલ એસ્ટેટ પોર્ટફોલિયોમાં સૌથી અગ્રણી તેમનો બંગલો, "મન્નત" છે. મુંબઈના બાંદ્રામાં આ છ માળનો દરિયા કિનારે આવેલ બંગલો તેમના ચાહકો માટે તીર્થસ્થાન છે.
મન્નતની કિંમત ₹2,000 કરોડ હોવાનું કહેવાય છે. આ ઉપરાંત, શાહરૂખ ખાન લંડનના પોશ પાર્ક લેન વિસ્તારમાં ₹183 કરોડની કિંમતનો એક એપાર્ટમેન્ટ ધરાવે છે. તેમની પાસે લોસ એન્જલસમાં એક વિલા અને દુબઈના પામ જુમેરાહમાં આશરે ₹18 કરોડની કિંમતનો એક વૈભવી વિલા પણ છે. શાહરૂખ ખાન મુંબઈના અલીબાગમાં એક સુંદર અને શાંત રજા ઘર પણ ધરાવે છે, જેની કિંમત ₹15 કરોડ છે.
