Anushka Sharma's Reaction To A Viral Fan Meme: ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) અને અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) ની જોડીને સૌથી સુંદર કપલ્સમાંથી એક ગણવામાં આવે છે. વિરાટ કોહલીએ અવારનવાર સ્વીકાર્યું છે કે તેની કારકિર્દીના મુશ્કેલ તબક્કાઓમાં અનુષ્કા શર્મા જ એકમાત્ર એવી વ્યક્તિ હતી જે ઢાલ બનીને તેની સાથે ઊભી રહી હતી. વિરાટના આ નિવેદનને લઈને એક પ્રશંસકે સોશિયલ મીડિયા પર અત્યંત રમૂજી રીલ બનાવી, જેના પર અનુષ્કા શર્મા પણ પ્રતિક્રિયા આપ્યા વિના રહી શકી ન હતી.
વિરાટના નિવેદન પર ફેન્સે બનાવી મજેદાર રીલ
વિરાટ કોહલીએ એડમ ગિલક્રિસ્ટ સાથેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જ્યારે તેનો ખરાબ સમય ચાલી રહ્યો હતો, ત્યારે તેના પરિવારે અને ખાસ કરીને તેની પત્ની અનુષ્કાએ તેનો સંપૂર્ણ સાથ આપ્યો હતો.
આ નિવેદન પર આધારિત એક ફેને સોશિયલ મીડિયા પર રીલ બનાવી. યુઝરે રીલમાં ઇમરાન ખાનનું ગીત 'બેવફા' એડ કરીને 'હતાશ દોસ્ત' નું પાત્ર ભજવ્યું. આ રીલમાં તે વ્યક્તિ રડવાનો ડોળ કરે છે, બારીમાંથી કૂદી જવાનો અભિનય કરે છે અને અંતે ડુંગળી કાપીને પોતાના આંસુ છુપાવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે.
રીલના કેપ્શનમાં લખ્યું હતું, 'જ્યારે વિરાટ કોહલીએ કહ્યું કે તેના ખરાબ સમયમાં ફક્ત અનુષ્કા શર્માએ જ તેનો સાથ આપ્યો.' આ રીલ જોઈને કોઈના પણ ચહેરા પર સ્મિત આવી જાય તેમ છે.
અનુષ્કા શર્માએ આપ્યું આવું રિએક્શન
જ્યારે આ રમૂજી રીલ અનુષ્કા શર્મા સુધી પહોંચી, ત્યારે અનુષ્કા પણ પોતાનું રિએક્શન આપ્યા વિના રહી શકી નહીં. તેણીએ રીલને લાઈક કરી. અનુષ્કાએ રીલ લાઈક કર્યા પછી, યુઝર્સે તેના પર ખૂબ જ ઉત્સાહપૂર્વક પ્રતિક્રિયા આપી.
ફેન્સે આ અંગે ઘણી રમુજી ટિપ્પણીઓ કરી. એક યુઝરે લખ્યું, 'જુઓ, ભાભીને રીલ ગમી હતી અને કદાચ તેણે તે વિરાટને પણ બતાવી હતી. આવી અનેક રમુજી કોમેન્ટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
