પાન મસાલા જાહેરાત વિવાદ: અજય દેવગણ પહોંચ્યા બોમ્બે હાઇકોર્ટ, FDA ની 'શો-કોઝ નોટિસ'ને ગણાવી ગેરવાજબી

અજય દેવગણ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દલીલ કરવામાં આવી છે કે, એફડીએ દ્વારા સંબંધિત ઉત્પાદક કંપની સામે કાર્યવાહી કરવાને બદલે વ્યક્તિગત રીતે તેમને (અજયને) નોટિસ પાઠવવાનો નિર્ણય સંપૂર્ણપણે મનસ્વી અને ગેરવાજબી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 31 Oct 2026 08:09 AM (IST)Updated: Sat, 31 Oct 2026 08:09 AM (IST)
ajay-devgn-challenges-fda-show-cause-notice-vimal-elaichi-ad-bombay-high-court
અજય દેવગણ

Ajay Devgn Vimal Ad Controversy: બોલિવૂડ અભિનેતા અજય દેવગણે 'વિમલ ઈલાયચી'ની જાહેરાતોના સંદર્ભમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા પાઠવવામાં આવેલી 'શો-કોઝ નોટિસ' સામે બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. FDA દ્વારા આ બ્રાન્ડની જાહેરાતોમાં દેખાવા બદલ અભિનેતાને નોટિસ આપવામાં આવી હતી, જેની સામે તેમણે કાનૂની પડકાર ફેંક્યો છે.

ઉત્પાદકને બદલે મને નોટિસ આપવી મનસ્વી: અજય દેવગણ

અજય દેવગણ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દલીલ કરવામાં આવી છે કે, એફડીએ દ્વારા સંબંધિત ઉત્પાદક કંપની સામે કાર્યવાહી કરવાને બદલે વ્યક્તિગત રીતે તેમને (અજયને) નોટિસ પાઠવવાનો નિર્ણય સંપૂર્ણપણે મનસ્વી અને ગેરવાજબી છે. મુખ્ય ન્યાયાધીશ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને ન્યાયાધીશ અદ્વૈત શેઠનાની ડિવિઝન બેન્ચ સમક્ષ આ અરજી પર આગામી 4 નવેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

પરોક્ષ પ્રચાર અને નિયમોના ઉલ્લંઘનનો આરોપ

FDA ની નોટિસ અનુસાર, 'વિમલ ઈલાયચી'ની જાહેરાતો વાસ્તવમાં 'પાન મસાલા'નો પરોક્ષ પ્રચાર કરે છે, જે ઉત્પાદન મહારાષ્ટ્ર રાજ્યમાં સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. નોંધનીય છે કે, આ જ જાહેરાતમાં જોવા મળેલા અન્ય બે બોલિવૂડ કલાકારો શાહરૂખ ખાન અને ટાઈગર શ્રોફને પણ આવી જ કારણ દર્શાવો નોટિસો જારી કરવામાં આવી હતી.

FDA કમિશનર તુકારામ મુંઢેએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, વિભાગ દ્વારા શાહરૂખ, અજય અને ટાઈગર શ્રોફ દ્વારા કરવામાં આવેલા કથિત નિયમોના ઉલ્લંઘનની તપાસ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. તપાસના અંતે એવું તારણ નીકળ્યું છે કે જાહેરાતના માધ્યમથી નિયમોનું ઉલ્લંઘન ચોક્કસપણે થયું છે.

FDA પોતાની કાનૂની કાર્યવાહી ચાલુ રાખવા મક્કમ

એફડીએ કમિશનરના જણાવ્યા મુજબ, આગામી અઠવાડિયે આ મામલે અંતિમ નિર્ણય લેવા માટે સમગ્ર રિપોર્ટ સંબંધિત સક્ષમ સત્તાધિકારીને સોંપવામાં આવશે. અજય દેવગણે હાઈકોર્ટમાં અરજી કરી હોવા છતાં, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગ નિયમાનુસાર પોતાની કાયદાકીય કાર્યવાહી આગળ ધપાવવા માટે મક્કમ દેખાઈ રહ્યું છે.