Emmy Awards 2023: 'કન્ટેન્ટ ક્વિન' તરીકે ઓળખાતી બાલાજી ટેલિફિલ્મની કો-ફાઉન્ડર એકતા કપૂરે નાના પડદા પર અનેક સીરિયલો બનાવવા સાથે મોટા પડદા પણ અનેક ઉમદા ફિલ્મો આપીનો પોતાની આવડતને પુરાવાર કરી ચૂકી છે. હવે એકતા કપૂરે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. હકીકતમાં એમી એવોર્ડથી સમ્માનિત થનાર એકતા કપૂર પ્રથમ ભારતીય ફિલ્મ મેકર બની ગઈ છે. એકતા કપૂરને ટૂંક સમયમાં જ એમી ડિરેક્ટોરેટથી સમ્માનિત કરવામાં આવશે.
વિશ્વના સૌથી પ્રતિષ્ઠીત એવોર્ડ પૈકી એક ઈન્ટરનેશનલ એમી એવોર્ડના વિજેતાઓની યાદી જાહેર કરી દેવામાં આવી છે. જેમાં એકતા કપૂરનું નામ પણ સામેલ છે. ઈન્સ્ટાગ્રામ પર એમી એવોર્ડ્સ તરફથી એકતા કપૂરની તસવીર શેર કરીને આ વાતની પુષ્ટિ કરી દેવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, એકતા કપૂરને 51માં ઈન્ટરનેશનલ એમી એવોર્ડ સમારોહમાં 2023 ડિરેક્ટોરેટ એવોર્ડ આપવામાં આવશે.
હવે એકતા કપૂરને 20 નવેમ્બરે ન્યૂયોર્કમાં આયોજ્ત 51માં ઈન્ટરનેશનલ એમી એવોર્ડમાં ઈન્ટરનેશનલ એવી ડિરેક્ટોરેટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે. એકતા કપૂરની આ સફળતા પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ અને તેના ફ્રેન્ડ તેને શુભેચ્છા પાઠવી રહ્યાં છે.
જણાવી દઈએ કે, 1994માં એકતા કપૂરે પોતાના પિતા જીતેન્દ્ર અને માતા શોભા કપૂર સાથે બાલાજી ટેલિફિલ્મ્સની શરૂઆત કરી હતી. એકતા કપૂરે 'કહાની ઘર-ઘર કી' અને 'ક્યોંકી સાસ ભી કભી બહૂ થી' સહિત અનેક લોકપ્રિય સીરિયલ બનાવી છે. આ સિવાય એકતાએ ઓલ્ટ બાલાજી સાથે OTT સેક્ટરમાં પણ પર્દાપણ કર્યું હતુ અને તેમાં તે સફળ પણ રહી, પરંતુ હવે તે તેનાથી અલગ થઈ ગઈ છે. આ ઉપરાંત એકતાએ બાલાજી બેનર હેઠળ 45 જેટલી ફિલ્મો બનાવી છે.
