Gujarat Assembly Election 2022:
આજે ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ભવ્ય રોડ શો યોજ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉમેદવારી ફોર્મ ભર્યું. તેમની સાથે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ જોડાયા હતા.
પ્રભાતચોકથી સોલા સુધીના રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ભાજપની ટોપી અને ખેસ પહેરીને પહોંચ્યા હતા.
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 17મી નવેમ્બર છે. ફોર્મ ભરતા પહેલા એસજી હાઈવે સોલા ભાગવત પાસે ઘાટલોડિયા વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરાયું હતું.
અગાઉ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારી ફોર્મ ભરવા જતાં પહેલા સવારેં ત્રિ-મંદીર ખાતે દાદા ભગવાનના પૂજન-અર્ચન કરીને તથા આત્માજ્ઞાની પૂજ્ય શ્રી દિપકભાઈ દેસાઈના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
જાણો ઘાટલોડિયા બેઠકની રસપ્રદ વિગત
ઘાટલોડિયા બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 41મા નંબરની બેઠક છે. આ બેઠક અમદાવાદ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક ગાંધીનગર છે. અમદાવાદ શહેરમાં આવેલ ઘાટલોડિયા વિધાનસભા બેઠક જે 2008માં અસ્તિત્વમાં આવી છે.
આ બેઠક પરથી ચૂંટણી લડીને આનંદીબેન પટેલ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. આ બેઠકમાં અમદાવાદ તાલુકાના અને દસક્રોઇ તાલુકાના કેટલાક ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
