વિદ્યાર્થીઓ માટે ખુશખબર: 4 મોટી સ્કોલરશિપ માટે અરજી શરૂ, મળશે વાર્ષિક રૂ. 1.5 લાખ સુધીની સહાય!

નેશનલ સ્કોલરશિપ પોર્ટલ (NSP) પર પ્રગતિ, PG અને સ્વનાથ સ્કોલરશિપ માટે 30 નવેમ્બર સુધી અરજી કરો. જાણો પાત્રતા અને અરજી કરવાની વિગત.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 04 Nov 2026 08:23 AM (IST)Updated: Wed, 04 Nov 2026 08:23 AM (IST)
national-scholarship-portal-4-major-schemes-application-deadline-30-november-eligibility-details
AI IMAGE

NSP Scholarship 2026: નેશનલ સ્કોલરશિપ પોર્ટલ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ઉચ્ચ અભ્યાસ અને ટેક્નિકલ કોર્સિસ કરીને ઉચ્ચ કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્કોલરશિપ યોજનાઓ અંતર્ગત ઓનલાઇન અરજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સ્કોલપશિપ યોજનાઓમાં ડિપ્લોમા અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ, અનાથ બાળકો, પીજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને દિવ્યાંગ છાત્રોનો સમાવેશ થાય છે. સ્કોલરશિપ મેળવવાની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ 30 નવેમ્બર સુધી NSP પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે.

PG સ્ટડીઝ સ્કોલરશિપ

યુજીસીની આ યોજના હેઠળ નિયમિત પીજી કોર્સમાં પહેલા વર્ષમાં પ્રવેશ મેળવનારા અને 30 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા 10 હજાર વિદ્યાર્થીઓને માસિક 15 હજાર (વાર્ષિક 1.5 લાખ) સ્કોલરશિપ આપવામાં આવે છે. આ યોજનામાં ઉમેદવારોની પસંદગી ગ્રેજ્યુએશનના મેરિટના આધારે થાય છે.

સક્ષમ સ્કોલરશિપ

ડિગ્રી અથવા ડિપ્લોમામાં અભ્યાસ કરતા અને 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વિશેષ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે વાર્ષિક રૂ. 50,000 ની સહાય પૂરી પાડવામાં આવે છે. આ માટે પણ પરિવારની વાર્ષિક આવક રૂ. 8 લાખથી ઓછી હોવી જરૂરી છે.

પ્રગતિ સ્કોલરશિપ સ્કીમ

AICTE માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાં ડિગ્રી અથવા ડિપ્લોમા (લેટરલ એન્ટ્રી સહિત) કોર્સ કરતી વિદ્યાર્થિનીઓને વાર્શિક રુ.50 હજારની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ રુ.8 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારની મહતમ બે દિકરીઓને મળે છે. આ યોજના હેઠળ કુલ 10 હજાર સીટો ઉપલબ્ધ છે.

સ્વનાથ છાત્રવૃત્તિ

અનાથ બાળકો, કોવિડ-19 મહામારીમાં માતા-પિતા ગુમાવનાર અથવા દેશ માટે શહીદ થયેલા સેના/પોલીસ દળોના જવાનોના બાળકોને ટેકનિકલ શિક્ષણ માટે AICTE દ્વારા વાર્ષિક રૂ. 50,000 ની મદદ કરવામાં આવે છે. રૂ. 8 લાખ સુધીની વાર્ષિક આવક મર્યાદા ધરાવતા વિદ્યાર્થીઓ માટે કુલ 2,000 સીટો અનામત રાખવામાં આવી છે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ નેશનલ સ્કોલરશિપ પોર્ટલની સત્તાવાર વેબસાઇટ `scholarships.gov.in` પર જાઓ.
  • જો તમે નવા યુઝર છો, તો 'One Time Registration' (OTR) પ્રક્રિયા પૂરી કરો.
  • જનરેટ થયેલા OTR નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો.
  • તમારી શૈક્ષણિક પાત્રતા અનુસાર યોગ્ય સ્કોલરશિપ પસંદ કરીને ઓનલાઇન ફોર્મ ભરો.
  • જરૂરી દસ્તાવેજો અને બેંક ખાતાની વિગતો અપલોડ કરીને ફોર્મ સબમિટ કરો. સબમિટ કર્યા બાદ અરજીની રસીદ મેળવીને સ્ટેટસ ટ્રેક કરી શકાશે.