GSEB SSC 10th Result 2026 (ધોરણ 10 રીઝલ્ટ 2026): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે ધોરણ 10 (SSC)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્યનું કુલ પરિણામ 83.86% નોંધાયું છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, પરિણામમાં જોવા મળતા 'પર્સન્ટાઇલ રેન્ક'ને લઈને ઘણા લોકોમાં હજુ પણ મૂંઝવણ છે.
પર્સન્ટાઇલ રેન્ક (Percentile Rank) એટલે શું?
છેલ્લા કેટલાક વર્ષોથી બોર્ડ દ્વારા માર્કશીટમાં ટકાવારીને બદલે પર્સન્ટાઇલ રેન્કને પ્રાધાન્ય આપવામાં આવે છે. પર્સન્ટાઇલ રેન્ક એ વિદ્યાર્થીના વ્યક્તિગત દેખાવને બદલે તેના સમૂહના અન્ય વિદ્યાર્થીઓની સાપેક્ષમાં તેનો ક્રમ દર્શાવે છે.
પરંપરાગત પદ્ધતિમાં મેળવેલા કુલ ગુણને વિષયોની સંખ્યા વડે ભાગીને ટકા કાઢવામાં આવતા હતા. તેનાથી વિપરીત, પર્સન્ટાઇલ થિયરી એ જણાવે છે કે તમે પરીક્ષા આપનારા કુલ વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓ કરતા આગળ છો. આ પદ્ધતિ જુદા જુદા સમયગાળા અને મોટા જૂથો વચ્ચે સરખામણી કરવા માટે વધુ સચોટ માનવામાં આવે છે.
પર્સન્ટાઇલ રેન્કની ગણતરી કેવી રીતે થાય છે?
કોઈ એક મૂલ્યાંકનમાં x માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ આખા સમૂહમાં કેટલા વિદ્યાર્થીઓની આગળ છે, અર્થાત્ રેન્કના ક્રમમાં તેમની પાછળ કેટલો સમૂહ છે તેની સરખામણી સો ટકાના સ્કેલમાં કરવાની રહે છે. દા.ત., કેટલાક વિદ્યાર્થીઓએ 500માંથી 473 (x) ગુણ પ્રાપ્ત કર્યા હોય અને 0 થી 472 ગુણ પ્રાપ્ત કરનારની સંખ્યા 95,000 (L) હોય અને કુલ વિદ્યાર્થી સમૂહ 1,00,000 (n) હોય તો ઉક્ત 472 i.e. x ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની પર્સન્ટાઇલ રેન્ક 95,000 / 1,00,000 x 100 અર્થાત્ 95.00 થાય. બીજા શબ્દોમાં કહીએ તો આ વિદ્યાર્થી કુલ વિદ્યાર્થીઓના TOP 5% વિદ્યાર્થીઓમાં આવે છે.
આમ, Percentile Rank = L/n x 100
જ્યાં x = જે ગુણસંખ્યા પર પર્સન્ટાઇલ રેન્ક કાઢવાની છે તે
L = 0 થી x - 1 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા
n = સમૂહમાં આવરી લેવાય તમામ વિદ્યાર્થીઓની સંખ્યા (દા.ત. ફેબ્રુ.-માર્ચ 2026માં n = 756392 ગણી શકાય.)
જો તમારી પર્સન્ટાઈલ રેન્ક (Percentile Rank) 99 થી વધુ હોય તો તમે પહેલા 7563 વિદ્યાર્થી પૈકી છો.
ટકાવારી (Percentage) ની ગણતરી
જો તમારે તમારા જૂની પદ્ધતિ મુજબના ટકા જાણવા હોય, તો તેનું ગણિત ખૂબ સરળ છે. ટકાવારીનો અર્થ છે કે સરેરાશ દર 100 એ તમને કેટલા ગુણ મળ્યા છે.
જો તમને કુલ 600 ગુણમાંથી 547 ગુણ મળ્યા હોય, તો તેને ટકાવારીમાં ફેરવવા માટે: 547 / 6 = 91.17%
