GSEB Digital Marksheet 2026 Download: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે. જોકે, વિદ્યાર્થીઓ અને વાલીઓ અત્યારે તેમની મૂળ માર્કશીટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શિક્ષણ બોર્ડ તરફથી મળતી વિગતો અનુસાર, આ વર્ષે વિદ્યાર્થીઓને મળનારી માર્કશીટમાં ઐતિહાસિક ફેરફારો કરવામાં આવ્યા છે. હવે ગુજરાત બોર્ડની માર્કશીટ પણ રાષ્ટ્રીય સ્તરના CBSE બોર્ડ જેવી હાઈટેક અને આધુનિક ફોર્મેટમાં જોવા મળશે.
આગામી 1 અઠવાડિયામાં વિતરણ શરૂ થશે
બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવી માર્કશીટ તૈયાર કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને આગામી 1 અઠવાડિયાની અંદર શાળાઓમાં તેનું વિતરણ શરૂ કરવામાં આવશે. આ વર્ષની માર્કશીટમાં મુખ્યત્વે 3 મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં દેશ-વિદેશમાં અભ્યાસ માટે વધુ અનુકૂળ રહેશે.
માર્કશીટમાં કરવામાં આવેલા 3 મુખ્ય ફેરફારો
નામની ગોઠવણીમાં ફેરફાર
અત્યાર સુધી ગુજરાત બોર્ડની માર્કશીટમાં પહેલા વિદ્યાર્થીની અટક અને ત્યારબાદ નામ આવતું હતું. પરંતુ હવેથી CBSE અને અન્ય રાષ્ટ્રીય બોર્ડના ફોર્મેટ મુજબ, માર્કશીટમાં સૌ પ્રથમ વિદ્યાર્થીનું નામ અને ત્યારબાદ અટક દર્શાવવામાં આવશે. આ ફેરફારથી વિદ્યાર્થીઓને પાસપોર્ટ કે અન્ય સરકારી દસ્તાવેજોમાં નામની વિસંગતતા દૂર કરવામાં મદદ મળશે.
અલગ મથાળા સાથેની વિગતો
માર્કશીટની સાઈઝમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે માર્કશીટમાં નામ, પિતાનું નામ અને અટક માટે અલગ-અલગ મથાળા (Columns) આપવામાં આવ્યા છે. આ સ્પષ્ટ વિભાજનને કારણે વિદ્યાર્થીની ઓળખ સચોટ બનશે, જે ખાસ કરીને અન્ય રાજ્યો કે વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
હોલોગ્રામના સ્થાને QR કોડ
સૌથી મોટો અને સુરક્ષાની દૃષ્ટિએ મહત્વનો ફેરફાર QR કોડનો છે. અત્યાર સુધી માર્કશીટની સત્તાવારતા માટે હોલોગ્રામનો ઉપયોગ થતો હતો, જેની જગ્યાએ હવે હાઈ-સિક્યુરિટી QR કોડ મૂકવામાં આવ્યો છે. આ કોડ સ્કેન કરતાની સાથે જ માર્કશીટ ઓનલાઈન વેરીફાઈ કરી શકાશે. આ ટેક્નોલોજીને કારણે ડુપ્લીકેટ કે નકલી માર્કશીટ બનાવવાનું અશક્ય બની જશે.
દેખાવ અને કલરમાં પણ ફેરફાર
આ નવી માર્કશીટ સાઈઝમાં સામાન્ય કરતા મોટી હશે અને તેના કલર કોમ્બિનેશનમાં પણ આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા સુરક્ષા અને આધુનિકતા બંને પાસાઓને ધ્યાનમાં રાખીને આ વર્ષે નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે.
