GSEB Marksheet Correction: ધોરણ 10-12ની માર્કશીટમાં ભૂલ છે? જાણો નામ અને જન્મતારીખ સુધારવાની સંપૂર્ણ પ્રક્રિયા

GSEB દ્વારા તાજેતરમાં જ ધોરણ 10-12ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. પરિણામ બાદ અનેક વિદ્યાર્થીઓના મનમાં માર્કશીટમાં નામ, અટક કે જન્મતારીખની ભૂલ અંગે મૂંઝવણ જોવા મળતી હોય છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 11 May 2026 12:44 PM (IST)Updated: Mon, 11 May 2026 12:44 PM (IST)
gseb-class-10-12-marksheet-name-dob-correction-process

GSEB Class 10 and 12 Marksheet Correction: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા તાજેતરમાં જ ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. પરિણામ બાદ અનેક વિદ્યાર્થીઓના મનમાં માર્કશીટમાં નામ, અટક કે જન્મતારીખની ભૂલ અંગે મૂંઝવણ જોવા મળતી હોય છે. માર્કશીટ માત્ર શૈક્ષણિક લાયકાત જ નહીં, પરંતુ જીવનભર માટે ઓળખના મહત્વના દસ્તાવેજ તરીકે કામ કરે છે, તેથી તેમાં રહેલી ક્ષતિઓને વહેલી તકે સુધારી લેવી અનિવાર્ય છે.

સમયમર્યાદા અને ફીનું ધોરણ

બોર્ડના સત્તાવાર નોટિફિકેશન અનુસાર, ઓનલાઇન પરિણામ જાહેર થયાના 3 મહિનાની અંદર જો વિદ્યાર્થી સુધારા માટે અરજી કરે, તો કોઈપણ પ્રકારની ફી લીધા વિના ઓરિજિનલ માર્કશીટમાં સુધારો કરી આપવામાં આવશે. જો 3 મહિનાની આ સમયમર્યાદા વીતી જાય, તો બોર્ડ દ્વારા નક્કી કરાયેલી ફી વસૂલવામાં આવશે અને વિદ્યાર્થીને સુધારા સાથેની 'ડુપ્લીકેટ માર્કશીટ' આપવામાં આવશે.

સુધારા માટેની તબક્કાવાર પ્રક્રિયા

  • શાળાના રેકોર્ડમાં સુધારો: સૌથી પહેલા શાળાના જનરલ રજિસ્ટર (G.R.) અથવા લિવિંગ સર્ટિફિકેટ (L.C.) માં સુધારો થયેલો હોવો જોઈએ.
  • ફોર્મની પસંદગી: ધોરણ 10 અને 12 બંને માટે 'Annexure 4' અને 'Annexure 4A' ફોર્મ ભરવાના રહેશે. જો માત્ર ધોરણ 10 માટે સુધારો કરવાનો હોય, તો 'Annexure 4B' ફોર્મનો ઉપયોગ કરવાનો રહેશે.
  • વિગતો: ફોર્મમાં વિદ્યાર્થીએ નામ, શાળાનો ઇન્ડેક્સ નંબર, પરીક્ષાનું વર્ષ, સીટ નંબર અને સરનામું જેવી વિગતો અંગ્રેજીમાં સ્પષ્ટ અક્ષરે ભરવાની રહેશે.

શાળા અને DEO ની મહત્વની ભૂમિકા

આ પ્રક્રિયામાં શાળાના આચાર્યનું ડિક્લેરેશન અને સહી-સિક્કા અનિવાર્ય છે. ખાસ કરીને ધોરણ 10 ની માર્કશીટમાં સુધારા માટે આચાર્યના સહી-સિક્કા ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી (DEO) ના સિક્કા અને સહી મેળવવા પણ જરૂરી છે. ત્યારબાદ તમામ દસ્તાવેજો ડેપ્યુટી સેક્રેટરી, એક્ઝામિનેશન સ્ટુડન્ટ સર્વિસ સેન્ટર, GSEB, ગાંધીનગર ખાતે મોકલવાના રહેશે.

જરૂરી દસ્તાવેજો

  • અસલ માર્કશીટ: જેમાં સુધારો કરવાનો હોય તે ઓરિજિનલ કોપી.
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C.): આચાર્ય દ્વારા પ્રમાણિત નકલ.
  • જન્મનો દાખલો: મ્યુનિસિપલ કોર્પોરેશન કે ગ્રામ પંચાયત દ્વારા જારી કરાયેલ દાખલો.
  • સોગંદનામું (Affidavit): જો નામ કે અટક સંપૂર્ણ બદલવાની હોય તો નોટરી કરાવેલું એફિડેવિટ અથવા ગેઝેટની નકલ.
  • ઓળખપત્ર: આધાર કાર્ડ કે અન્ય માન્ય ફોટો આઈડી.