Gujarat Vocational Education: ગુજરાતના વિદ્યાર્થીઓ શાળાકીય શિક્ષણની સાથે સાથે વ્યવહારિક કૌશલ્ય મેળવીને રોજગારક્ષમ બને તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શૈક્ષણિક વર્ષ 2026-27થી રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 9થી 12 વોકેશનલ અભ્યાસક્રમમાં ચાર નવા કૌશલ્યવર્ધક વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રથમ તબક્કામાં ધો.9માં નવો નિયમ
જીએસઈબીની નવી નીતિ અનુસાર, ચાલુ શૈક્ષણિક વર્ષથી પ્રથમ તબક્કામાં ધો.9માં આ નવા વિષયો દાખલ કરવામાં આવશે, ત્યારબાદ તબક્કાવાર આગળના ધોરણોમાં અમલી બનાવવામાં આવશે. રાજયની 2,813 સરકારી અને ગ્રાન્ટ ઈન એડ તેમજ 2 હજાર સેલ્ફ ફાઈનાન્સ શાળાઓમાં અંદાજે 2 લાખથી વધારે વિદ્યાર્થીઓને નવો હુનર શાીખવાડવામાં આવશે. આ વિષયો માટે 30 માર્કસની થિયરી અને 50 માર્ક્સની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે.
ધો. 9 થી 12 માં 6 ટ્રેડનું શિક્ષણ
બોર્ડ દ્વારા અગાઉથી જ એગ્રીકલ્ચર, ઓટોમોટીવ, આઈટી, હેલ્થકેર, બ્યુટી, બેંકિંગ-ફાઈનાન્સ, ફૂડ પ્રોસેસિંગ, પ્લમ્બિંગ, ઈલેક્ટ્રોનિક્સ, રિટેઈલ અને ટુરિઝમ જેવા 16 વિષયોનું પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. હવે આ 4 નવા વિષયો ઉમેરાતા વિદ્યાર્થીઓ પાસે કૌશલ્ય શીખવાના વધુ વિકલ્પો ઉપલબ્ધ બનશે.
આ 4 નવા વોકેશનલ વિષયોમાં વિદ્યાર્થીઓ શું શીખશે?
- મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ: મનોરંજન, ડિજિટલ ક્ષેત્ર અને કન્ટેન્ટ ક્રિએશનની દુનિયામાં કામ કરવા માટેની પાયાની સમજ અને જ્ઞાન પૂરું પાડવામાં આવશે.
- ટેલિકોમ: મોબાઈલ નેટવર્ક, એન્જિનિયરિંગ અને ફાઈબર ઓપ્ટિક્સના કોડિંગ અંગેનું ટેકનિકલ જ્ઞાન અપાશે.
- હેન્ડીક્રાફ્ટ-કાર્પેન્ટરીંગ: સ્થાનિક હસ્તકળા અને લાકડાકામ આધારિત લઘુ-મધ્યમ ઉદ્યોગ (MSME) કે સ્વરોજગાર શરૂ કરી શકે તે માટે તાલીમ મળશે.
- લોજિસ્ટિક મેનેજમેન્ટ: સપ્લાય ચેઈન, લોજિસ્ટિક્સ અને વેરહાઉસ મેનેજમેન્ટના શિક્ષણથી ગ્લોબલ બિઝનેસ મેનેજમેન્ટનો પાયો મજબૂત થશે.
