GSEB 10th Result 2026: સ્ટાન્ડર્ડ ગણિતમાં 99.63% પરિણામ, બેઝિક ગણિતમાં સૌથી વધુ 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ ફેલ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ 10 (SSC) ના પરિણામોમાં વિષયવાર આંકડાકીય વિશ્લેષણ સામે આવ્યું છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 06 May 2026 10:55 AM (IST)Updated: Wed, 06 May 2026 11:56 AM (IST)
gseb-10th-result-2026-standard-maths-99-percent-basic-maths-failures

Gujarat Board GSEB 10th Result 2026 (ધોરણ 10 રીઝલ્ટ 2026): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ 10 (SSC) ના પરિણામોમાં વિષયવાર આંકડાકીય વિશ્લેષણ સામે આવ્યું છે. આ વર્ષે પરિણામમાં વિરોધાભાસી ચિત્ર જોવા મળ્યું છે, જેમાં એક તરફ 'સ્ટાન્ડર્ડ ગણિત'માં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે, તો બીજી તરફ 'બેઝિક ગણિત'માં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

ગણિત: સ્ટાન્ડર્ડમાં સફળતાની લહેર, બેઝિકમાં પડકાર

બોર્ડ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ મુજબ, સ્ટાન્ડર્ડ ગણિત વિષયમાં નોંધાયેલા 51,506 વિદ્યાર્થીઓમાંથી 51,316 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આ વિષયનું પરિણામ રેકોર્ડબ્રેક 99.63% નોંધાયું છે અને માત્ર 190 વિદ્યાર્થીઓ જ નિષ્ફળ રહ્યા છે.

તેની સરખામણીએ, બેઝિક ગણિત વિષયમાં સૌથી વધુ મુશ્કેલી જોવા મળી છે. આ વિષયમાં કુલ 7,03,643 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, જેમાંથી 5,97,139 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 1,06,504 વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયા છે. બેઝિક ગણિતનું કુલ પરિણામ 84.86% રહ્યું છે.

ભાષાના વિષયોમાં તેજસ્વી દેખાવ

અંગ્રેજી FL વિષયમાં 98.11 ટકા સાથે ઉત્તમ પરિણામ નોંધાયું છે. આ વિષયમાં 1,01,270 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને માત્ર 1,918 વિદ્યાર્થીઓ ફેલ થયા હતા. સંસ્કૃત SL વિષયનું પરિણામ 96.07 ટકા રહ્યું છે, જ્યારે ગુજરાતી SL વિષયમાં 95.12 ટકા પરિણામ નોંધાયું છે. ગુજરાતી FL વિષયમાં 92.22 ટકા અને હિન્દી FL વિષયમાં 93.25 ટકા પરિણામ નોંધાયું છે. અંગ્રેજી SL વિષયમાં 93.20 ટકા અને હિન્દી SL વિષયમાં 92.64 ટકા પરિણામ આવ્યું છે.

વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના આંકડા

સામાજિક વિજ્ઞાનમાં કુલ 7,55,470 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 7,11,241 વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે. આ વિષયનું પરિણામ 94.15% નોંધાયું છે, જ્યારે 44,229 વિદ્યાર્થીઓ નિષ્ફળ રહ્યા છે.

વિજ્ઞાન વિષયમાં પણ વિદ્યાર્થીઓ માટે પડકારજનક સ્થિતિ જોવા મળી હતી. આ વિષયમાં 7,55,995 પરીક્ષાર્થીઓમાંથી 6,61,350 વિદ્યાર્થીઓ પાસ થયા છે. બેઝિક ગણિત પછી સૌથી વધુ 94,645 વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં નાપાસ થયા છે, જેની સાથે વિષયનું કુલ પરિણામ 87.48% રહ્યું છે.

વિષય નોંધાયેલ ઉપસ્થિત પાસ ફેલ પરિણામ
ગુજરાતી FL 647136 633872 584551 49321 92.22%
હિન્દી FL 16242 15914 14840 1074 93.25%
અંગ્રેજી FL 101572 101270 99352 1918 98.11%
સામાજિક વિજ્ઞાન 769993 755470 711241 44229 94.15%
વિજ્ઞાન 769993 755995 661350 94645 87.48%
સ્ટાન્ડર્ડ ગણિત 51564 51506 51316 190 99.63%
ગુજરાતી SL 122855 122119 116154 5965 95.12%
હિન્દી SL 315901 308207 285512 22695 92.64%
અંગ્રેજી SL 668161 654012 609530 44482 93.20%
સંસ્કૃત SL 353870 348937 335238 13699 96.07%
બેઝિક ગણિત 717860 703643 597139 106504 84.86%