CBSE Skill Courses 2026-27: વર્તમાન સમયમાં ખાનગી સેક્ટર અને વિવિધ ઉદ્યોગમાં થિયરેટિકલ જ્ઞાન કરતાં પ્રેક્ટિકલ સ્કિલ અને કૌશલ્યની માંગમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે. આ બદલાતાં સમય અને ઉદ્યોગોની જરુરિયાતોને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. CBSE શૈક્ષણિક સત્ર માર્ચ-એપ્રિલ 2026-27થી ધોરણ 9 અને 12ના છાત્રો માટે 22 જેટલા કૌશલ્ય આધારિત કોર્સ અમલમાં મૂકવા જઈ રહ્યું છે.
22 કૌશલ્ય આધારિત વિષયોનો સમાવેશ
- આધુનિક ટેકનોલોજી: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), આઈટી (IT), ડેટા સાયન્સ, કોડિંગ, વેબ એપ્લિકેશન્સ, મલ્ટીમીડિયા, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર.
- ફાઈનાન્સ અને બિઝનેસ: બેંકિંગ એન્ડ ઈન્શ્યોરન્સ, ફાઈનાન્સિયલ માર્કેટ્સ, માર્કેટિંગ એન્ડ સેલ્સ, રીટેઈલ.
- સર્વિસ અને સ્કિલ સેક્ટર: હેલ્થકેર, બ્યૂટી એન્ડ વેલનેસ, ડિઝાઈન થિંકિંગ, ટેક્સટાઈલ ડિઝાઈન, ફ્રન્ટ ઓફિસ ઓપરેશન્સ, અપેરેલ.
- એગ્રીકલ્ચર અને ટેકનિકલ: એગ્રીકલ્ચર, ફૂડ પ્રોડક્શન, ઓટોમોટિવ, ટુરિઝમ અને પ્લમ્બિંગ.
સ્કૂલ લેવલે જ આંતરિક મૂલ્યાંકન થશે
વિદ્યાર્થીઓ પર પરીક્ષાનું દબાણ ન વધે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કૌશલ્ય વિકાસ વિષયોની કોઇ લેખિત પરીક્ષા લેવાશે નહીં. પરંતુ શાળા કક્ષાએ જ આંતરિક મૂલ્યાંકન કરવામાં આવશે. વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ વર્ક, પ્રોજેક્ટ, મૌખિક ઇન્ટરવ્યૂ અને રોજના કાર્યના આધારે ગુણની ફાળવણી કરવામાં આવશે.
ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સહિત સમગ્ર રાજ્યની 250થી વધુ સ્કૂલોના 20 હજારથી વધુ છાત્રોને આ નિર્ણયનો લાભ મળશે. એકલા અમદાવાદ જિલ્લાની જ 50 જેટલી સ્કૂલોના આશરે 3,000 વિદ્યાર્થીઓ આ યોજના હેઠળ આવરી લેવાશે.
વિદ્યાર્થીઓમાં વ્યવસાયલક્ષી સજ્જતા ખીલશે
AOPS (એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ્સ)ના સેક્રેટરી પ્રહર અંજારિયા જણાવે છે કે,
NEP-2020 (રાષ્ટ્રીય શિક્ષણ નીતિ)ની જોગવાઈઓ મુજબ વિદ્યાર્થીઓને વર્તમાન સમયની જરૂરિયાત પ્રમાણે ભવિષ્ય માટે તૈયાર કરવા વિવિધ સ્કિલ ખૂબ જરૂરી છે. CBSEના આ નિર્ણયથી શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા પછી જ વિદ્યાર્થીઓમાં વ્યવસાયલક્ષી અભિયોગ્યતા અને ક્ષમતા ખીલશે.
