Teachers Day: એ દિવસો જ અલગ હતા! 90ના દાયકાની ગામડાની શાળા, શિક્ષકોનો આદર અને બાળપણની યાદો

90ના દાયકાના ગામડાની શાળામાં શિક્ષકનું સ્થાન માત્ર વર્ગખંડ પૂરતું સીમિત નહોતું. તેઓ બાળકો માટે શિસ્તના પ્રતીક હતા, વાલીઓ માટે આદરપાત્ર વ્યક્તિ અને સમગ્ર ગામ માટે માર્ગદર્શક.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 05 Sep 2026 11:47 AM (IST)Updated: Sat, 05 Sep 2026 11:47 AM (IST)
90s-village-school-life-teachers-day-nostalgia-memories-gujarati
શિક્ષક દિવસ

Teachers Day 2026: શિક્ષક દિવસ આવે એટલે આજના સમયમાં શિક્ષકોને શુભેચ્છા પાઠવીએ, સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીએ અને ‘હેપ્પી ટીચર્સ ડે’ કહીએ. પરંતુ 90ના દાયકાના એ દિવસોને યાદ કરીએ તો શિક્ષક પ્રત્યેનો આદર કંઈક અલગ જ હતો. એ સમયે શિક્ષક માત્ર ભણાવતા નહોતા, તેઓ આખા ગામના એક મહત્વપૂર્ણ સભ્ય હતા.

ગામમાં શિક્ષકનું આગવું માન હતું. બાળકો તો શિક્ષકનું સન્માન કરતા જ, પરંતુ તેમના માતા-પિતા પણ શિક્ષકને એટલું જ માન આપતા. શિક્ષક ઘરે આવે તો તેમને પ્રેમથી બેસાડવામાં આવતા, ચા-પાણી કરાવવામાં આવતું. ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય તો શિક્ષકને ખાસ જમવા માટે આમંત્રણ આપવામાં આવતું.

અને શિક્ષક જો બાળકને ભૂલ બદલ મારતા કે ઠપકો આપતા તો પણ ઘણી વખત વાલીઓ બાળકનો નહીં, શિક્ષકનો પક્ષ લેતા. કારણ કે તેમને વિશ્વાસ હતો કે શિક્ષક બાળકના સારા માટે જ તેને શિસ્ત શીખવી રહ્યા છે.

શિક્ષકનો એવો ખોફ કે શેરીમાં દેખાય એટલે... એ સમયના બાળકોમાં શિક્ષકનો એક અલગ જ ‘ખોફ’ હતો. ગામની શેરીમાં શિક્ષક પસાર થતા દેખાય એટલે બાળકો તરત સંતાઈ જતા. શિક્ષકની નજરે ન ચડી જઈએ તેની જાણે સ્પર્ધા ચાલતી!

પરંતુ આ ખોફમાં ડર કરતાં વધુ આદર અને શિસ્ત છુપાયેલી હતી.

શિક્ષક કોઈ નાનું-મોટું કામ કહે તો બાળકો પણ હોંશે હોંશે કરી આપતા. શિક્ષકની વાત ટાળવી કે તેમની સામે દલીલ કરવી એ જાણે કલ્પનાની બહારની વાત હતી.

11થી 5ની શાળા... અને 4 વાગ્યાની રાહ

એ સમયની શાળાની પોતાની જ મજા હતી. સવારે 11 વાગ્યે શાળા શરૂ થાય અને સાંજે 5 વાગ્યા સુધી ચાલે. પરંતુ બાળકોને 5 વાગ્યાની રાહ નહોતી જોવી પડતી.

ઘડિયાળના કાંટા 4 વાગ્યાની આસપાસ પહોંચે એટલે નજર ક્લાસ ટીચર તરફ જતી.

“સર, ગ્રાઉન્ડમાં રમવા જઈએ?”

જો સર તરફથી ‘હા’ મળી જાય તો બસ... આખા વર્ગમાં જાણે ખુશીની લહેર દોડી જતી!

પછી શરૂ થતી પકડમપાટી, લંગડી અને સંતામણી જેવી રમતો. ધૂળથી કપડાં ખરડાઈ જાય, પગમાં માટી લાગી જાય, પરસેવાથી શરીર રેબઝેબ થઈ જાય, છતાં ચહેરા પર ખુશી એવી કે જાણે આખી દુનિયા જીતી લીધી હોય.

આજના સમયમાં બાળકો માટે મનોરંજનના અનેક સાધનો છે, પરંતુ એ દિવસોમાં શાળાનું ગ્રાઉન્ડ જ બાળકોનું સૌથી મોટું પ્લેગ્રાઉન્ડ હતું.

શિક્ષક માત્ર ભણાવતા નહોતા, સમજતા પણ હતા

90ના દાયકાના ગામડાના શિક્ષકોની સૌથી મોટી ખાસિયત કદાચ એ હતી કે તેઓ પોતાના વિદ્યાર્થીઓને માત્ર રોલ નંબરથી ઓળખતા નહોતા.

તેઓ જાણતા હતા કે કયા ઘરમાં કેવી પરિસ્થિતિ છે. કોના પિતા શું કામ કરે છે, કયા પરિવારની આર્થિક સ્થિતિ નબળી છે અને કયા બાળકને ભણવામાં કે અન્ય કોઈ બાબતમાં મદદની જરૂર છે.

શિક્ષકો પોતાની રીતે બાળકોને સપોર્ટ કરતા. ક્યારેક બે શબ્દોની હિંમત આપીને, ક્યારેક સમજાવીને અને ક્યારેક જરૂર પડે ત્યારે પોતાની રીતે મદદ કરીને.

એટલે જ કદાચ એ સમયના વિદ્યાર્થીઓ માટે શિક્ષકનું સ્થાન માત્ર ‘સર’ કે ‘મેડમ’ પૂરતું નહોતું. શિક્ષક એટલે એક એવી વ્યક્તિ, જે બાળકના ભવિષ્યની ચિંતા કરે.

આજે શિક્ષક દિવસ છે, તો એ દિવસોને પણ યાદ કરીએ...

સમય બદલાયો છે. શાળાઓ બદલાઈ છે, ભણાવવાની પદ્ધતિ બદલાઈ છે, બાળકો બદલાયા છે અને શિક્ષક-વિદ્યાર્થીના સંબંધો પણ બદલાયા છે.

પરંતુ 90ના દાયકાના ગામડાની એ શાળાઓ અને એ શિક્ષકોની યાદ આજે પણ અનેક લોકોના મનમાં તાજી છે.

એમાં મોંઘા ક્લાસરૂમ નહોતા, સ્માર્ટ બોર્ડ નહોતા, દરેક હાથમાં મોબાઈલ નહોતો. પરંતુ શિક્ષક માટે આદર હતો, શિસ્ત હતી, સંબંધોમાં લાગણી હતી અને ભણતરની સાથે માણસ બનાવવાની જવાબદારી હતી.

કદાચ એટલે જ આજે પણ બાળપણની એ શાળાની યાદ આવે ત્યારે સૌથી પહેલાં કોઈ ઈમારત નહીં, પરંતુ ક્લાસરૂમમાં ઊભેલા એ શિક્ષકનો ચહેરો યાદ આવે છે.

શિક્ષક દિવસના આ અવસરે એવા તમામ શિક્ષકોને સલામ, જેમણે માત્ર પાઠ્યપુસ્તકના પાઠ નહીં, પરંતુ જીવન જીવવાના પાઠ પણ શીખવ્યા.

સાચે જ... એ દિવસો જ અલગ હતા!