Lagna Muhurat November 2026 Gujarati: હિંદુ ધર્મમાં લગ્નને 16 સંસ્કારોમાંથી એક મહત્ત્વપૂર્ણ સંસ્કાર માનવામાં આવે છે. લગ્ન માત્ર બે વ્યક્તિઓ જ નહીં, પરંતુ બે પરિવારોને પણ જોડે છે. તેથી લગ્નની તારીખ નક્કી કરતી વખતે શુભ તિથિ, નક્ષત્ર, યોગ અને પંચાંગની અન્ય બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જો તમે નવેમ્બર 2026માં લગ્નનું આયોજન કરી રહ્યા છો, તો તમારા માટે મહત્ત્વની માહિતી છે. નવેમ્બર મહિનામાં ગુજરાત માટે લગ્નના 4 શુભ દિવસ ઉપલબ્ધ છે. આ તારીખો 21, 24, 25 અને 26 નવેમ્બર છે. ચાલો જાણીએ આ ચારેય દિવસના શુભ મુહૂર્ત, તિથિ અને નક્ષત્રની સંપૂર્ણ વિગતો.
નવેમ્બર 2026માં લગ્ન માટેના શુભ મુહૂર્ત (Vivah Muhurat November 2026)
અમદાવાદના સ્થાનિક સમય અને પંચાંગની ગણતરી મુજબ નવેમ્બર 2026માં લગ્ન માટે ચાર શુભ તારીખો છે. આ તારીખો દરમિયાન અલગ-અલગ તિથિ અને નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે.
21 નવેમ્બર 2026, શનિવાર
નવેમ્બર મહિનામાં લગ્ન માટેનું પ્રથમ શુભ મુહૂર્ત 21 નવેમ્બર, શનિવારના રોજ છે. આ દિવસે સવારે 6:57 વાગ્યાથી શરૂ થઈને 22 નવેમ્બરની મધરાતે 12:13 વાગ્યા સુધી લગ્ન માટેનો શુભ સમય રહેશે. આ દરમિયાન રેવતી નક્ષત્ર અને સુદ બારસ એટલે કે શુક્લ પક્ષની દ્વાદશી તિથિનો સંયોગ રહેશે. લગ્ન માટેની તારીખ નક્કી કરી રહેલા પરિવારો આ દિવસને ધ્યાનમાં રાખી શકે છે.
24 નવેમ્બર 2026, મંગળવાર
24 નવેમ્બર, મંગળવારના રોજ પણ લગ્ન માટે શુભ મુહૂર્ત છે. આ દિવસે રાત્રે 11:25 વાગ્યાથી શરૂ થઈને 25 નવેમ્બરની સવારે 7:00 વાગ્યા સુધી મુહૂર્ત રહેશે. આ સમય દરમિયાન રોહિણી નક્ષત્ર અને વદ પડવો એટલે કે કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિ રહેશે. આ મુહૂર્ત મધરાત બાદ બીજા દિવસે સવારે પૂર્ણ થશે.
25 નવેમ્બર 2026, બુધવાર
25 નવેમ્બર, બુધવારના રોજ લગ્ન માટેનું ત્રીજું શુભ મુહૂર્ત છે. આ દિવસે સવારે 7:00 વાગ્યાથી શરૂ થઈને 26 નવેમ્બરની સવારે 7:00 વાગ્યા સુધી લગ્ન માટેનો સમય રહેશે. આ દરમિયાન રોહિણી અને મૃગશિરા નક્ષત્રનો સંયોગ રહેશે. જ્યારે વદ પડવો અને વદ બીજ એટલે કે કૃષ્ણ પક્ષની પ્રતિપદા અને દ્વિતીયા તિથિ રહેશે. આ દિવસ પણ નવેમ્બર મહિનાના લગ્ન માટેના મહત્ત્વના શુભ દિવસોમાં સામેલ છે.
26 નવેમ્બર 2026, ગુરુવાર
નવેમ્બર મહિનામાં લગ્ન માટેનું છેલ્લું શુભ મુહૂર્ત 26 નવેમ્બર, ગુરુવારના રોજ છે. આ દિવસે સવારે 7:00 વાગ્યાથી સાંજે 5:47 વાગ્યા સુધી લગ્ન માટે શુભ સમય રહેશે. આ દરમિયાન મૃગશિરા નક્ષત્રનો સંયોગ રહેશે. સાથે જ વદ બીજ અને વદ ત્રીજ એટલે કે કૃષ્ણ પક્ષની દ્વિતીયા અને તૃતીયા તિથિ રહેશે. આ મહિનામાં લગ્નનું આયોજન કરતા પરિવારો માટે આ છેલ્લી શુભ તારીખ છે.
લગ્નની તારીખ નક્કી કરતાં પહેલાં આ બાબતોનું ધ્યાન રાખો
હિંદુ પરંપરામાં લગ્ન માટે માત્ર શુભ તારીખ જોવી પૂરતી નથી. લગ્નનું ચોક્કસ મુહૂર્ત નક્કી કરતી વખતે વર-વધૂની જન્મકુંડળી, ચંદ્રબળ, તારાબળ, નક્ષત્ર અને લગ્નસ્થળના સ્થાનિક સમયને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. એક જ તારીખ દરેક વ્યક્તિ માટે સમાન રીતે શુભ હોય તે જરૂરી નથી.
ઉપર આપવામાં આવેલા મુહૂર્ત અમદાવાદ, ગુજરાતના સ્થાનિક સમય મુજબ છે. ગુજરાતનાં અન્ય શહેરોમાં સૂર્યોદય અને સ્થાનિક પંચાંગની ગણતરી પ્રમાણે સમયમાં થોડો ફેરફાર થઈ શકે છે. તેથી લગ્નની અંતિમ તારીખ અને સમય નક્કી કરતાં પહેલાં સ્થાનિક પંચાંગ અથવા જાણકાર જ્યોતિષીની સલાહ લેવી યોગ્ય રહેશે.
