Gujarati Calendar 2026 January: આજે નવું વર્ષ 2026 શરૂ થઈ રહ્યું છે. જ્યોતિષીય અને ધાર્મિક દ્રષ્ટિકોણથી વર્ષ 2026 ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષનો પ્રથમ મહિનો એટલે કે જાન્યુઆરી, માત્ર અંગ્રેજી કેલેન્ડર મુજબ જ નહીં, પરંતુ હિન્દુ પંચાંગ મુજબ પણ ખાસ છે. આ સમયગાળામાં પોષ માસની પૂર્ણતા અને પવિત્ર માઘ માસની શરૂઆત થતી હોવાથી ભક્તિમય વાતાવરણ જોવા મળશે.
જાન્યુઆરી મહિનામાં મકરસંક્રાંતિ, લોહરી, સંકટ ચોથ અને વસંત પંચમી જેવા અનેક મોટા તહેવારો આવી રહ્યા છે, જે શ્રદ્ધા અને પરંપરા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. ચાલો જાણીએ જાન્યુઆરી 2026 ના મુખ્ય તહેવારો અને તેનું મહત્વ.
મકરસંક્રાંતિ (14 જાન્યુઆરી, 2026)
વર્ષ 2026 માં મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો પવિત્ર તહેવાર 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જ્યારે સૂર્યદેવ ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે મકરસંક્રાંતિ થાય છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન-પુણ્યનો વિશેષ મહિમા છે. ગુજરાત સહિત દેશભરમાં આ દિવસે પતંગોત્સવનો અનેરો ઉત્સાહ જોવા મળે છે. ઘણી જગ્યાએ આ પર્વ 'ખીચડી' તરીકે પણ ઓળખાય છે અને પરંપરાગત રીતે ખીચડી ખાવાનો રિવાજ છે.
મૌની અમાવસ્યા (18 જાન્યુઆરી, 2026)
હિન્દુ ધર્મમાં વર્ષની તમામ અમાસનું મહત્વ છે, પરંતુ માઘ મહિનાની 'મૌની અમાવસ્યા' શ્રેષ્ઠ ગણાય છે. આ વર્ષે 18 જાન્યુઆરીએ મૌની અમાવસ્યા છે. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ, આ દિવસે ગંગાજળ અમૃત સમાન બની જાય છે અને તેમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમજ સમસ્ત પાપોનો નાશ થાય છે. આ દિવસે ભક્તો મૌન વ્રત ધારણ કરીને વિશેષ પૂજા-અર્ચના કરે છે.
વસંત પંચમી (23 જાન્યુઆરી, 2026)
જ્ઞાન અને કળાની દેવી મા શારદાની આરાધનાનું પર્વ એટલે વસંત પંચમી. વર્ષ 2026 માં 23 જાન્યુઆરીએ વસંત પંચમી ઉજવવામાં આવશે. જેને સરસ્વતી પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ વિદ્યાર્થીઓ અને કલાકારો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાથી બુદ્ધિ અને જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે અને ઉત્તમ પરિણામો પ્રાપ્ત થાય છે.
જાન્યુઆરી 2026 ગુજરાતી કેલેન્ડર - Gujarati Calendar 2026 January
| તારીખ | દિવસ | તહેવાર / વ્રત |
|---|---|---|
| 1 જાન્યુઆરી, 2026 | ગુરુવાર | રોહિણી વ્રત, ગુરુ પ્રદોષ વ્રત |
| 3 જાન્યુઆરી, 2026 | શનિવાર | શાકંભરી પૂર્ણિમા, અરુદ્ર દર્શન, પોષ પૂર્ણિમા વ્રત |
| 6 જાન્યુઆરી, 2026 | મંગળવાર | સંકટ ચોથ, લંબોદર સંકષ્ટ |
| 10 જાન્યુઆરી, 2026 | શનિવાર | માઘ કૃષ્ણ જન્માષ્ટમી, કાલાષ્ટમી |
| 13 જાન્યુઆરી, 2026 | મંગળવાર | લોહરી |
| 14 જાન્યુઆરી, 2026 | બુધવાર | મકર સંક્રાંતિ, ઉત્તરાયણ, ષટતિલા એકાદશી |
| 15 જાન્યુઆરી, 2026 | ગુરુવાર | કૃષ્ણ કૂર્મ દ્વાદશી |
| 16 જાન્યુઆરી, 2026 | શુક્રવાર | મેરુ ત્રયોદશી, શુક્ર પ્રદોષ વ્રત, માસિક શિવરાત્રિ |
| 18 જાન્યુઆરી, 2026 | રવિવાર | મૌની અમાવસ્યા |
| 19 જાન્યુઆરી, 2026 | સોમવાર | માઘ નવરાત્રી |
| 20 જાન્યુઆરી, 2026 | મંગળવાર | ચંદ્ર દર્શન |
| 22 જાન્યુઆરી, 2026 | ગુરુવાર | ગણેશ જયંતિ, ગૌરી ગણેશ ચોથ |
| 23 જાન્યુઆરી, 2026 | શુક્રવાર | વસંત પંચમી |
| 24 જાન્યુઆરી, 2026 | શનિવાર | સ્કંદ ષષ્ઠી |
| 25 જાન્યુઆરી, 2026 | રવિવાર | ભાનુ સપ્તમી, રથ સપ્તમી, નર્મદા જયંતિ, બ્રહ્મ સાવર્ણી મન્વાદિ |
| 26 જાન્યુઆરી, 2026 | સોમવાર | ભીષ્મ અષ્ટમી, ગણતંત્ર દિવસ, માસિક દુર્ગાષ્ટમી |
| 28 જાન્યુઆરી, 2026 | બુધવાર | રોહિણી વ્રત |
| 29 જાન્યુઆરી, 2026 | ગુરુવાર | ભીષ્મ દ્વાદશી, જયા એકાદશી |
| 30 જાન્યુઆરી, 2026 | શુક્રવાર | શુક્ર પ્રદોષ વ્રત |
