WGC Report On Gold:કાઉન્સિલનો અહેવાલ;ભારતમાં સોનીની માંગમાં થયો ઘટાડો, PM મોદીની અપીલની અસર જોવા મળી

WGC Report On Gold:સોનાની વિક્રમજનક કિંમતોએ આ તહેવારની સિઝન અને લગ્ન પ્રસંગમાં અસર કરી છે. જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ભારતમાં સોનાની માંગ વાર્ષિક ધોરણે 29 ટકા ઘટીને 162.5 ટન રહી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 04 Nov 2026 07:37 AM (IST)Updated: Wed, 04 Nov 2026 07:48 AM (IST)
wgc-report-indias-gold-demand-declines-pm-modis-appeal-proves-effective

WGC Report On Gold:સોનાની વિક્રમજનક કિંમતોએ આ તહેવારની સિઝન અને લગ્ન પ્રસંગમાં અસર કરી છે. જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ભારતમાં સોનાની માંગ વાર્ષિક ધોરણે 29 ટકા ઘટીને 162.5 ટન રહી છે. તે છ વર્ષના નીચલા સ્તર પર છે. આ સાથે તે સમગ્ર વર્ષ 2026માં ભારતની સોનાની માંગ આશરે 650 ટન રહેવાનો અંદાજ છે.

કોરોના બાદ તે સૌથી નીચલા સ્તર પર રહેશે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે મંગળવારે આ અંગે માહિતી આપી હતી. સોનાની ઊંચી કિંમતો તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકોને સોનું નહીં ખરીદવા કરવામાં આવેલી અપીલ કારણરૂપ માનવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાક મહિના અગાઉ સામાન્ય પ્રજાને પેટ્રોલ, ડીઝલની બચત કરવા, સોનું નહીં ખરીદવા માટે અપીલ કરી હતી. 

WGCના અહેવાલ પ્રમાણે વર્ષ 2025ના જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં દેશમાં સોનાની કૂલ માંગ 229.8 ટન રહી છે. જોકે, માંગનું પ્રમાણ ઘટવા છતાં મૂલ્યની દ્રષ્ટિએ ખરીદી ત્રણ ટકા વધીને રૂપિયા 2,41,900 કરોડ થઈ છે. જે ગયા વર્ષની અવધિમાં નોંધાયેલ રૂપિયા 2,35,090 કરોડ હતી. સુરક્ષિત રોકાણ તરીકે ખરીદવામાં આવતા સોનાની માંગ 40 ટકા ગગડી છે.

સમીક્ષા હેઠળની અવધિમાં ગોલ્ડ બાર અને કોઈનની કૂલ માંગ 40 ટકા ઘટી 55 ટન થઈ છે. જે ગયા વર્ષની સમાન અવધિમાં 91.6 ટન હતી. જ્યારે Gold ETFની કૂલ માંગ પણ 50 ટકા ઘટીને 5.3 ટન થઈ છે,જે ગયા વર્ષે 10.7 ટન હતી.

 અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સોનાની ઊંચી કિંમતોએ ગ્રાહકોની ખરીદીને લગતા વ્યવહારને અસર કરી છે.માંગ ઘટવા છતાં ખરીદીના મૂલ્યમાં વધારો થયો છે. તેનાથી જાણી શકાય છે કે ગ્રાહકોને સોનાની પ્રાથમિકતા આપવાનું જારી રાખેલ છે.

જુલાઈ-સપ્ટેમ્બરમાં ભારતમાં આભૂષણોની માંગ વર્ષ 2025ની સમાન ત્રિમાસિક ગાળા દરમિયાન 125 ટનથી 20 ટકા ઘટી 99.9 ટન થયુ  છે. જોકે, કિંમત વધવાને લીધે મૂલ્યની દ્રષ્ટિએ આભૂષણોની માંગ 16 ટકા વધી 1,48,700 કરોડ રહ્યુ છે. પ્રથમ નવ મહિનામાં આભૂષણોની માંગ 18 ટકા ઘટી 241.1 ટન રહી છે. જ્યારે તેના પર ખર્ચ 29 ટકા વધી 3,61,830 કરોડ રહ્યું છે.