UPI Transaction Charges: UPI ટ્રાન્ઝેક્શન ગ્રાહકો માટે રહેશે સંપૂર્ણ ફ્રી, જાણો વેપારીઓ માટે શું છે નવા નિયમો

UPI Transaction Charges: નાણા મંત્રાલયે નવા UPI વ્યવહારોના નિયમો જાહેર કર્યા છે. ગ્રાહકો માટે P2P ટ્રાન્ઝેક્શન ફ્રી રહેશે, જ્યારે 2000 રૂપિયાથી વધુના વેપારી વ્યવહારો પર નજીવો ચાર્જ લાગશે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 16 Sep 2026 09:08 AM (IST)Updated: Wed, 16 Sep 2026 09:08 AM (IST)
upi-transaction-charges-customers-will-pay-no-fees-know-the-new-rules-for-merchants

UPI Transaction Charges: નાણા મંત્રાલય દ્વારા યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ટ્રાન્ઝેક્શન્સ પરના ચાર્જ અંગે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ નવા નિયમોએ ગ્રાહકો અને વેપારીઓમાં નવા લાગૂ કરવામાં આવેલા ચાર્જ અંગેની ગેરસમજને દૂર કરી છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે વ્યક્તિથી વ્યક્તિ (P2P) વચ્ચેના UPI પેમેન્ટ પર કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં આવશે નહીં, અને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) માત્ર મોટા મૂલ્યના વેપારી વ્યવહારો પર જ લાગુ પડશે.

ગ્રાહકો પર આ નિયમોની શું અસર થશે?

સામાન્ય નાગરિકો અને ગ્રાહકો માટે UPI નો ઉપયોગ સંપૂર્ણપણે મફત રહેશે. વ્યક્તિથી વ્યક્તિ (P2P) વચ્ચે ગમે તેટલી રકમના વ્યવહારો કરવામાં આવે, તેના પર કોઈ જ ટેક્સ કે ડ્યૂટી લાગશે નહીં. એક ગ્રાહક તરીકે તમારે ટ્રાન્ઝેક્શન માટે એક પણ રૂપિયો ચૂકવવાનો રહેશે નહીં.

નાના અને મોટા વેપારીઓ માટે શું છે નિયમ?

નાના વેપારીઓ માટે

મહિનાનું 1 લાખ રૂપિયા સુધીનું કલેક્શન ધરાવતા અથવા 2000 રૂપિયા સુધીના બિલ સ્વીકારતા નાના દુકાનદારો માટે કોઈ ચાર્જ લાગુ પડશે નહીં. નોંધનીય છે કે દેશના 95% થી વધુ વ્યવહારો આ 2000 રૂપિયા સુધીની શ્રેણીમાં આવે છે.

મોટા વેપારીઓ અને શોરૂમ માટે

જો ગ્રાહક 2000 રૂપિયાથી વધુનું પેમેન્ટ UPI મારફતે કરશે, તો બેંક દુકાનદાર પાસેથી 0.4% (જેમ કે 1000 રૂપિયા પર 4 રૂપિયા) ચાર્જ વસૂલશે. 75000 રૂપિયા કે તેથી વધુના મોટા વ્યવહારોમાં મહત્તમ MDR મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન 300 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

પેટ્રોલ પંપ અને રેલવે જેવી સેવાઓ માટે શું છે ખાસ જોગવાઈ?

પેટ્રોલ પંપ, રેલવે ટિકિટ, વીમો અને મોબાઈલ રિચાર્જ જેવી સેવાઓમાં 2000 રૂપિયાથી ઉપરના બિલ પર ટકાવારીને બદલે 5 રૂપિયાનો ફિક્સ ચાર્જ લાગુ થશે.

આનું મુખ્ય કારણ એ છે કે પેટ્રોલ પંપ અને રેલવે ટિકિટ બુકિંગ જેવા વ્યવસાયોમાં માર્જિન માત્ર 1% થી 2% જેટલું જ હોય છે. જો ત્યાં 0.4% ચાર્જ લગાવવામાં આવે, તો 5000 રૂપિયાના વ્યવહાર પર 20 રૂપિયા કપાઈ જાય, જે માલિકને પોષાય નહીં. આ 5 રૂપિયાનો ચાર્જ સર્વિસ પ્રોવાઇડર કે પંપ માલિકે બેંકને ચૂકવવાનો રહેશે, ગ્રાહકે નહીં. રોજિંદી જરૂરી સેવાઓ અટકે નહીં તે માટે આ કેટેગરીને સ્પેશિયલ લિસ્ટમાં રાખવામાં આવી છે.

શું વેપારીઓ ગ્રાહકો પાસેથી વધારાનો ચાર્જ વસૂલી શકે?

લોકોને ચિંતા હતી કે મોટા દુકાનદારો 0.4% નો ખર્ચ સરભર કરવા સામાન મોંઘો કરશે અથવા ગ્રાહક પાસે વધારાના રૂપિયા માંગશે. આ અંગે સરકારે સત્તાવાર ગેઝેટ (રાજપત્ર) નોટિફિકેશનમાં સ્પષ્ટ કાયદાકીય જોગવાઈ કરી છે:

કોઈ પણ બેંક કે દુકાનદાર ગ્રાહક પાસેથી આ ચુકવણી બદલ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ (Directly or Indirectly) રીતે વધારાનો ચાર્જ વસૂલી શકશે નહીં. સરકારના મતે, ક્રેડિટ કે ડેબિટ કાર્ડના 1.5% થી 2% સ્વાયપ ચાર્જની સરખામણીમાં 0.4% ઘણો ઓછો છે, તેથી મોટા વેપારીઓ માટે આ ખર્ચ સામાન્ય બિઝનેસ ખર્ચનો જ એક ભાગ રહેશે.

જો કોઈ મોટો વેપારી ગ્રાહકને એવું કહે કે "UPI કરશો તો 0.4% વધુ આપવા પડશે" અથવા બિલમાં અલગથી ચાર્જ ઉમેરે, તો તે 'પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ' (Payment and Settlement Systems Act) હેઠળ કાયદાનો ભંગ ગણાશે.