Budget 2023 Expectations : દેશનું સામાન્ય બજેટ 2023 રજૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. નિર્મલા સીતારમણ નાણામંત્રી તરીકે 1 ફેબ્રુઆરીએ સતત પાંચમું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આવતા વર્ષે થનારી સામાન્ય ચૂંટણી પહેલા મોદી 2.0 સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ હશે. સરકાર આગામી બજેટમાં રમકડાં, સાયકલ, ચામડા અને ફૂટવેરના ઉત્પાદન માટે નાણાકીય પ્રોત્સાહનની જાહેરાત કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે, ઉચ્ચ રોજગાર ધરાવતા ક્ષેત્રોને ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજના એટલે કે PLI યોજના(Production-Linked Incentive Scheme)નો લાભ આપવા માટે તેનો વિસ્તાર કરી શકાય છે.
અગાઉ 14 ક્ષેત્રોમાં લાગુ કરી ચૂકી છે આ યોજના
સરકારે પહેલાં જ લગભગ 2 લાખ કરોડ રૂપિયાની PLI યોજના વાહનો અને વાહનના ઘટકો, મોટા ઈલેક્ટ્રોનિક સાધનો, દવા, કપડાં,ખાદ્ય ઉત્પાદનો, ઉચ્ચ કાર્યક્ષમતા વાળા સોલાર પીવી મોડ્યુલ્સ, અદ્યતન રાસાયણિક કોષો અને સ્ટીલ સહિત કુલ 14 ક્ષેત્રોમાં લાગુ કરી ચૂકી છે. સૂત્રોએ જણાવ્યું કે, આ યોજનાનો લક્ષ્ય આ ક્ષેત્રોમાં સ્થાનિક ઉત્પાદકોને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક અને 'ચેમ્પિયન' બનાવવાનો છે.
પ્રસ્તાવ મંજૂરીના અંતિમ તબક્કામાં
PLI યોજનાને રમકડા અને ચામડા જેવા વિવિધ ક્ષેત્રો સુધી પહોંચાડવા માટેનો પ્રસ્તાવ મંજૂરીના હોવાના અંતિમ તબક્કામાં છે અને તેવી શક્યતા છે કે તેને બજેટમાં લાવી શકાય છે. સૂત્રોએ જણાવ્યું કે, આ બે લાખ કરોડ રૂપિયામાંથી કેટલીક રકમ બચી છે. તેને અન્ય ક્ષેત્રોમાં લગાવવા પર વિચાર કરી શકાય છે.
સામાન્ય લોકોને ઘણી અપેક્ષા
મહત્વનું છે કે, કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2023-24 માટે સામાન્ય બજેટ 1લી ફેબ્રુઆરીએ રજૂ કરશે. આ અંગે સરકાર દ્વારા તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સામાન્ય લોકોને ઘણી અપેક્ષાઓ છે કે તેમને સરકાર તરફથી થોડી રાહત આપવામાં આવશે.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો
ટેલિગ્રામ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો.