Business
Changes In TCS Top Post: રાજેશ ગોપીનાથને CEOના પદ પરથી રાજીનામું આપ્યું, હવે કે.ક્રિથિવાસન કંપનીનું સુકાન સંભાળશે
Changes In TCS Top Post: દેશની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના મેનેજીંગ ડાયરેક્ટર અને CEO રાજેશ ગોપીનાથન (Rajesh Gopinathan)એ તેમના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. આ સાથે કંપનીએ એક સત્તાવાર માહિતીમાં જણાવ્યું છે કે તેમના સ્થાને હવે નવા CEO તરીકે કે ક્રિથિવાસન (K Krithivasan)ની નિમણૂક કરવામાં આવી છે. ક્રિથિવાસન વર્તમાન સમયમાં કંપનીના પ્રેસિડેન્ટ અને બેન્કિંગ, ફાયનાન્શિયલ સર્વિસિસ એન્ડ ઈન્સ્યોરન્સ (BFSI) બિઝનેસ ગ્રુપના ગ્લોબલ હેડ છે. તેઓ આ ક્ષેત્રમાં ખૂબ જ અનુભવી છે તથા કંપનીમાં કામ કરતા 34 વર્ષથી વધારે સમય થઈ ચુક્યો છે.
રાજીનામા અંગે રાજેશ ગોપીનાથે શું કહ્યું
ગોપીનાથને એક નિવેદનમાં કહ્યું કે હું TCSમાં મારા 22 વર્ષના રોમાંચક કાર્યકાળનો સંપૂર્ણપણે આનંદ લીધો છે. ચંદ્રા સાથે મળીને કામ કરવું તે ખુશીની વાત છે. તેમના તરફથી મને સતત સલાહ-માર્ગદર્શન મળતું રહ્યું છે. ગોપીનાથને આ સાથે એમ પણ કહ્યું કે તેમના કાર્યકાળમાં ઈન્ક્રીમેન્ટલ રેવેન્યૂમાં 10 બિલિયન ડોલર તથા માર્કેટ કેપ (Market capitalization)માં 70 બિલિયન ડોલરથી વધારે વૃદ્ધિ થઈ છે. છેલ્લા બે દાયકામાં ક્રિથિવાસન સાથે કામ કર્યાં બાદ મને વિશ્વાસ છે કે તેઓ ટીમનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે. તેઓ TCSને વધુ ઊંચાઈ સુધી લઈ જશે.
રાજેશ ગોપીનાથન સૌથી વધારે વેતન મેળવનાર CEO
અત્રે ઉલ્લેખનીય છે કે રાજેશ ગોપીનાથન દેશના સૌથી વધારે વેતન મેળવનાર CEO છે. રાજેશ ગોપીનાથન TCS સાથે વર્ષ 2001થી જોડાયેલા છે. તેમણે કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર અને CEO તરીકે 6 વર્ષ કામ કર્યું છે. તેઓ સપ્ટેમ્બર સુધી કંપની સાથે જોડાયેલા રહેશે. TCSએ એક નિવેદનમાં જણાવ્યું કે શ્રીગોપીનાથન તેમના ઉત્તરાધિકારીને સપોર્ટ કરવા માટે સપ્ટેમ્બર,2023 સુધી કંપની સાથે જોડાયેલા રહેશે.
દરમિયાન શેરબજારમાં TCSના શેરનો ભાવ રૂપિયા 16.90 એટલે કે 0.53 ટકા ગગડી રૂપિયા 3,182 રહ્યો હતો.
ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો
ટેલિગ્રામ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો.