Ashok Leyland Stock:ઓટો સેક્ટરની અગ્રણી અશોક લેલેન્ડના શેરોમાં આજે શાનદાર તેજી જોવા મળી છે. કંપનીનો શેર પ્રારંભિક કામકાજ દરમિયાન 11 ટકાથી વધારે ઉછાળો નોંધાવ્યો હતો. આ શેરનો ભાવ ડાયનેમિક પ્રાઈઝ બેન્ડ હેઠળ પહેલા 10 ટકાની અપર બેન્ડ હિટ કરી હતી અને ત્યારબાદ પણ શેરમાં તેજી આગળ વધી હતી.
ક્રુડ ઓઈલની કિંમતો ઘટતા મોંઘવારી મોરચે રાહત મળવાની અપેક્ષા તથા આગામી સમયમાં વ્યાજ દરો વધારવાની શક્યતા ઓછી થતા રેટ સેન્સેટીવ શેરોમાં શાનદાર તેજી જોવા મળી છે.બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ખાતે શેરનો ભાવ ઈન્ટ્રા-ડે હાઈ રૂપિયા 171.94 અને નીચામાં રૂપિયા 161.81 બોલાઈ રૂપિયા 170 ઉપર કામકાજ કરતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે કંપનીનો શેર રૂપિયા 154 લેવલ પર બંધ રહ્યો હતો.
અશોક લેલેન્ડના શેરોમાં શરૂઆતી કામકાજ તેના અગાઉના બંધ ભાવ રૂપિયા 154 સામે રૂપિયા 171.95 પહોંચ્યો હતો. એટલે કે અગાઉના બંધ ભાવની તુલનામાં કિંમતમાં આશરે 12 ટકા તેજી આવી હતી.
અશોક લેલેન્ડના શેરનો ભાવ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રૂપિયા 215ની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી હાંસલ કરી હતી. જોકે ત્યારબાદ ક્રુડ ઓઈલની કિંમતોમાં વધારો થતા સેન્ટીમેન્ટ બગડ્યું હતું. જૂન મહિનામાં શેરનો ભાવ રૂપિયા 138 સુધી તૂટી ગયો હતો.
