LCC Projects IPO:LCC પ્રોજેક્ટ્સ લિમિટેડે શુક્રવાર, 4 સપ્ટેમ્બર, 2026ના રોજ તેના આગામી પ્રારંભિક જાહેર ભરણા (IPO) માટે પ્રતિ ઇક્વિટી શેર રૂપિયા 139-146નો પ્રાઇઝ બેન્ડ નક્કી કર્યો છે. રૂપિયા 427 કરોડનો IPO 9 સપ્ટેમ્બરે સબસ્ક્રીપ્શન માટે ખુલશે અને 11 સપ્ટેમ્બરે બંધ થશે.
જાહેર કરાયેલી માહિતી પ્રમાણે એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડીગ 8 સપ્ટેમ્બરે યોજાશે.EPC કંપનીના IPOમાં રૂપિયા 258 કરોડ સુધીના ફ્રેશ ઇશ્યૂ અને 1,15,85,000 શેર સુધીની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે.પ્રાઇઝ બેન્ડના અપર એન્ડ પર ઇશ્યૂનું કદ આશરે રૂપિયા 427 કરોડ અને લૉઅર એન્ડ પર આશરે રૂપિયા 419 કરોડ રહેશે. ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી રકમનો ઉપયોગ સાધનોની ખરીદી, દેવાની ચુકવણી અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
LCC પ્રોજેક્ટ્સ વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (EPC) કંપની છે. છેલ્લા બે દાયકાથી વધુ સમયગાળા દરમિયાન કંપનીએ સિંચાઈ અને પાણી પુરવઠાના ક્ષેત્રમાં વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે.
તેમાં બંધ, બેરેજ, વીયર, હાઈડ્રોલિક માળખાં, નહેરો, પાઇપ વિતરણ નેટવર્ક, લિફ્ટ સિંચાઈના કામો, પાણી પુરવઠાની યોજનાઓ તેમજ અન્ય ઈપીસી પ્રોજેક્ટ્સના નિર્માણનો સમાવેશ થાય છે.કંપનીના ઇક્વિટી શેર 17 સપ્ટેમ્બરે બીએસઈ અને એનએસઈ બંને પર લિસ્ટ થવાની દરખાસ્ત છે.મોતીલાલ ઓસવાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે કેફિન ટેક્નોલોજીસ રજિસ્ટ્રાર છે.
