Jio પ્લેટફોર્મ્સનું બુધવારે ધમાકેદાર લિસ્ટિંગ, ગ્રે માર્કેટમાં 22% સુધીના પ્રોફિટના સંકેત

Jio Platforms IPO Listing: દેશનો સૌથી મોટો IPO 28 ઓક્ટોબરે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થશે. 22 ગણા ભરાયેલા આ IPOનું વર્તમાન ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) અને એલોટમેન્ટ વિગત જાણો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 26 Oct 2026 02:41 AM (IST)Updated: Mon, 26 Oct 2026 02:41 AM (IST)
jio-platforms-ipo-listing-22-premium-expected-on-debut

Jio IPO Listing & GMP: મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ અને ડિજિટલ વિંગ 'જિયો પ્લેટફોર્મ્સ' ચાલુ અઠવાડિયે ભારતીય શેરબજારમાં પોતાની ભવ્ય શરૂઆત કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. આઈપીઓ માટે બોલી લગાવવાની મુદત પૂરી થયા બાદ હવે તમામ રોકાણકારોની નજર લિસ્ટિંગના દિવસે મળનારા સંભવિત રિટર્ન અને ગ્રે માર્કેટના વલણ પર ટકેલી છે.

સટ્ટા બજારમાં ઉત્સાહ અને રિટર્નની ગણતરી

ગ્રે માર્કેટ (અનઓફિશિયલ માર્કેટ) તરફથી મળી રહેલા સંકેતો દર્શાવે છે કે આ મેગા ઈશ્યૂમાં જે રોકાણકારોને શેર ફાળવવામાં આવશે, તેમને લિસ્ટિંગના દિવસે જ 22 ટકાથી વધુનો તગડો નફો મળી શકે છે. લિસ્ટિંગ પહેલા જિયો પ્લેટફોર્મ્સના અનલિસ્ટેડ શેર અનઓફિશિયલ માર્કેટમાં પ્રતિ શેર ₹1,366ના ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. ₹1,119ની ઈશ્યૂ પ્રાઈઝ સામે આ ભાવ ₹247 અથવા 22.07 ટકાનું પ્રીમિયમ દર્શાવે છે. જો 12 શેરના એક લોટની ગણતરી કરવામાં આવે તો રોકાણકારોને પ્રતિ લોટ આશરે ₹2,964નો ચોખ્ખો ફાયદો થવાની ધારણા છે. જોકે, ગ્રે માર્કેટ એ અનઓફિશિયલ પ્લેટફોર્મ હોવાથી તેના આધારે લિસ્ટિંગના દિવસના પ્રદર્શનની કોઈ ગેરંટી હોતી નથી.

સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ અને એલોટમેન્ટની વિગતો

જો તારીખો અને સમયપત્રકની વાત કરીએ તો આ મેગા આઈપીઓ અંગેનું એલોટમેન્ટ અને લિસ્ટિંગનું ટાઈમલાઈન નીચે મુજબ રહેશે-

26 ઓક્ટોબર (સોમવાર): આઈપીઓ માટે શેર એલોટમેન્ટ ફાઇનલ કરવામાં આવશે.

27 ઓક્ટોબર (મંગળવાર): જે અરજદારોને શેર નથી લાગ્યા તેમને રિફંડ અને સફળ રોકાણકારોના ડીમેટ એકાઉન્ટમાં શેર ક્રેડિટ થશે.

28 ઓક્ટોબર (બુધવાર): નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર કંપનીના શેરનું સત્તાવાર લિસ્ટિંગ થશે.

રોકાણકારોનો ભારે પ્રતિસાદ અને ભરાયેલો ઈશ્યૂ

નેશનલ સ્ટોક એક્સચેન્જના આંકડા અનુસાર, ત્રણ દિવસની પબ્લિક બિડિંગ દરમિયાન જિયો પ્લેટફોર્મ્સના આઈપીઓને રોકાણકારો તરફથી અસાધારણ પ્રતિસાદ સાંપડ્યો હતો. આ ઈશ્યૂ તેના કુલ કદ કરતાં 22 ગણાથી પણ વધુ સબ્સ્ક્રાઇબ થયો હતો, જેમાં સંસ્થાગત રોકાણકારોની માંગ સૌથી વધુ રહી હતી:

ક્વાલિફાઇડ ઇન્સ્ટીટ્યુશનલ બાયર્સ (QIB): નિયત હિસ્સા સામે 70.55 ગણું સબ્સ્ક્રિપ્શન.

નોન-ઇન્સ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII): નિયત હિસ્સા સામે 14 ગણું સબ્સ્ક્રિપ્શન.

રિટેલ ઇન્ડિવિઝ્યુઅલ ઇન્વેસ્ટર્સ (RII): રિટેલ કેટેગરીમાં 2.72 ગણી બોલીઓ પ્રાપ્ત થઈ.

દેશનો સૌથી મોટો IPO અને નવો ઐતિહાસિક રેકોર્ડ

રૂ. 30,213 કરોડના કદ ધરાવતા આ આઈપીઓએ ભારતીય મૂડીબજારમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. આ ઈશ્યૂએ વર્ષ 2024માં આવેલા હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના રૂ. 27,870 કરોડના ઈશ્યૂને પાછળ છોડીને ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બનવાનું બહુમાન મેળવ્યું છે. આ ઈશ્યૂ ખુલ્યાની માત્ર 100 મિનિટમાં જ પૂરો ભરાઈ ગયો હતો અને તેને કુલ 1.4 કરોડથી વધુ અરજીઓ મળી હતી.