BLS Polymers IPO: શેરબજારમાં રોકાણકારોને શાનદાર કમાણી કરવાની તક આપતાં બીએલએસ પોલિમર્સ (BLS Polymers) ના આઈપીઓ (IPO) નું આજે બજારમાં ધમાકેદાર લિસ્ટિંગ થયું છે. કંપનીના શેરોએ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર 65.33% ના જંગી પ્રીમિયમ સાથે 248 રૂપિયા પર ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી, જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર તે 62.73% ના પ્રીમિયમ સાથે 244.10 રૂપિયા પર લિસ્ટેડ થયો હતો. લિસ્ટિંગ બાદ પણ શેરમાં સતત તેજી જોવા મળી હતી અને ભાવ ઊંચા સ્તરે પહોંચી જતાં રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.
એક લોટ પર કમાણીનું ગણિત: 13,400 રૂપિયાનો ચોખ્ખો ફાયદો
આઈપીઓ હેઠળ કંપનીએ શેર દીઠ 150 રૂપિયાની ઈશ્યૂ પ્રાઇસ નક્કી કરી હતી અને 100 શેરનો એક લોટ બનાવવામાં આવ્યો હતો. આથી રોકાણકારોએ 100 શેર માટે 150 રૂપિયા લેખે લઘુત્તમ 15,000 રૂપિયાનું રોકાણ કરવું પડ્યું હતું. લિસ્ટિંગ બાદ શેરની કિંમત વધીને 284 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ હતી. આના કારણે 100 શેરનું કુલ મૂલ્ય વધીને 28,400 રૂપિયા થઈ ગયું હતું. આમ, આઈપીઓમાં એક લોટ મેળવનાર રોકાણકારને મૂળ રોકાણ સામે સીધો 13,400 રૂપિયાનો મોટો ફાયદો થયો હતો.
241 ગણાથી વધુ ભરાયો હતો આઈપીઓ
255 કરોડ રૂપિયાનો આ આઈપીઓ 27 થી 29 ઓક્ટોબર દરમિયાન રોકાણકારો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ગ્રે માર્કેટના સંકેતો મુજબ રોકાણકારો તરફથી આ આઈપીઓ પર આક્રમક પ્રતિસાદ મળ્યો હતો અને ઈશ્યૂ 241 ગણાથી વધુ સબ્સ્ક્રાઇબ થયો હતો. કંપનીએ આ ઈશ્યૂ દ્વારા 1.79 કરોડ નવા શેર જારી કર્યા હતા.
રોકાણકારો માટે એક્સપર્ટની સલાહ
બ્રોકરેજ હાઉસના એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, જે રોકાણકારો લાંબા ગાળા માટે સ્ટોક હોલ્ડ કરવા માંગતા હોય તેઓ શેર જાળવી રાખી શકે છે. અથવા તો લિસ્ટિંગ પર મળેલા મજબૂત નફાને ધ્યાનમાં રાખીને આંશિક રીતે શેર વેચીને નફો પણ બુક કરી શકે છે.
